જામનગર શહેરમાં ખોડિયાર કોલોની રોડ પરના વિસ્તારમાં શનિવારે બપોરના સમયે મિત્રને મળવા ગયેલા યુવાનનો ત્રણ શખ્સોએ પીછો કરી છરીની અણીએ ‘તુ અમારા વિસ્તારમાં બદકામ કરવા કેમ આવશ ?’ તેમ કહી યુવાન પાસેથી 29 હજારની રોકડ રકમ પડાવી લીધાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9મા રહેતો અને વડોદરાના ડભોઇ ગામનો વતની ધર્મેન્દ્ર છોટાભાઈ પટેલ નામનો યુવાન ગત શનિવારે બપોરના સમયે બપોરે તેના મિત્રને અંધાશ્રમ આવાસમાં મળવા જતો હતો તે દરમિયાન ખોડિયાર કોલોની ક્રિષ્ના મેડીકલની બાજુની શેરીમાં આવેલી તેની ઓફિસ પાસે પહોંચ્યો ત્યારે દિવ્યરાજસિંહ જાડેજા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ પીછો કરી ઓફિસ પાસે આંતરીને ‘તુ અમારા વિસ્તારમાં બદકામ કરવા કેમ આવશ ? તારા ઘરે જાણ કરી દઈશું.’ તેમ કહી છરીની અણીએ ભય બતાવી ધર્મેન્દ્ર પાસે રહેલી રૂા.29000 ની રોકડ રકમ બળજબરીથી કઢાવી લીધી હતી. ત્યારબાદ આ બનાવ અંગે ધર્મેન્દ્રએ પોલીસમાં જાણ કરતા પીએસઆઈ એસ.એમ.સિસોદિયા તથા સ્ટાફે દિવ્યરાજસિંહ સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં યુવાન પાસેથી છરીની અણીએ રોકડ પડાવી લીધી
ત્રણ શખ્સોએ પીછો કરી ઓફિસ પાસે આંતર્યો : પોલીસ દ્વારા ગુનો નોંધી શોધખોળ


