જામનગરની સરકારી શાળામાં ભણતા અને શિક્ષકના માત્ર 11 વર્ષના પુત્રએ સતત પાંચ વર્ષની જહેમત બાદ ટેનિસની રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ 4થો ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ છે. આટલી નાની ઉંમરે રેન્કીંગ ખેલાડી બનનાર સરકારી શાળાનો તે પ્રથમ વિદ્યાર્થી બન્યો છે.
રાષ્ટ્રીય કક્ષાએ ફોર્થ રેન્કીંગ તરીકે નામ અંકિત કરનાર જામનગરની સરકારી શાળાના વિદ્યાર્થી હિત તેના શિક્ષક પિતા ભીમશીભાઈ કંડોરિયા પાસેથી જ મહાનગરપાલિકાના સ્પોર્ટસ કોમ્પલેક્ષના ટેનિસ કોર્ટમાં છેલ્લાં પાંચ વર્ષથી ટેનિસનું કોચિંત અને ટે્રનિંગ લઇ રહ્યો છે. તેણે રાજ્યકક્ષાએ પણ પાંચથી વધુ ટાઈટલો જીત્યા છે. વર્ષ 2019માં ભૂજ ખાતે ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ ટેનિસ ટૂર્નામેન્ટમાં તે ચેમ્પિયન બન્યો હતો. વર્ષ 2021માં અમદાવાદ ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં પણ અલગ અલગ કેટેગરીમાં ચેમ્પિયનશીપ મેળવી હતી. રાજકોટમાં જાન્યુઆરી 2021 માં અંડર-12 ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો હતો. હિતના પિતા ભીમશીભાઈ એ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ એક વર્ષમાં ખેલાડી 18 ટુર્નામેન્ટમાં ભાગ લઇ શકે છે. જેમાં તેની માત્ર હાર-જીત જ નહીં પરંતુ પર્ફોર્મન્સના વિવિધ પાસાઓની પણ નોંધ લેવામાં આવે છે. હિતે છેલ્લાં એક વર્ષમાં અમદાવાદ, વડોદરામાં 1-1, હરિયાણાના કર્નાલમાં બે, રોહતકમાં 3, સીનીપતમાં -2, બોમ્બે નેશનલ લેવલની 1 ટુર્નામેન્ટમાં અંડર-12 લેવલની ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. હજુ આવતા 2023ના વર્ષમાં પણ તે અંડર-12 લેવલમાં રમી શકશે. છેલ્લાં પાંચ વર્ષથી ટેનિસની ખંતપૂર્વકની તેની મહેનતને કારણે રાષ્ટ્રીય કક્ષાએ તે ચોથા રેન્કર તરીકે નોંધાયો છે. સરકારી શાળાના વિદ્યાર્થી તરીકે આ કક્ષાએ પહોંચનાર તે રાજ્યનો પ્રથમ ખેલાડી ગણાય તેમ તેઓ ઉમેરે છે.
આગામી તા. 21 ફેબ્રુઆરીએ હિત ફરી નેશનલ ટુર્નામેન્ટ મુંબઇ ખાતે છે. તેમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યો છે. ઓપોનન્ટને ટક્કર આપવા હિત તેમજ તેમના પિતા ખૂબ જ સારી જહેમત ઉઠાવી રહ્યાં છે. હાલમાં 13 વર્ષનો હિત અંડર 14 ટુર્નામેન્ટ રમી રહ્યો છે.
જામનગર શહેરના કોઇપણ સ્પોર્ટસના ખેલાડીને નિ:સ્વાર્થભાવે સંપૂર્ણ સહયોગ આપી અને જામનગરનું નામ સ્પોર્ટસ બાબતે સમગ્ર વિશ્ર્વમાં સુવર્ણ અક્ષરોમાં અંકિત થાય તેવા હેતુથી જામનગર ડિસ્ટ્રીકટ ટેબલ ટેનિસ ટેનિસ એસો.ના વિક્રમસિંહ જાડેજા, ઉદયભાઇ કટારમલ સહિતની સમગ્ર ટીમ હંમેશા તત્પર રહેતા હોય છે. ટેનિસ સ્પોર્ટ અંગે હિતની કારકિર્દી અંગે વધારે જાણવા માટે હિતના પિતા ભીમશીભાઇનો સંપર્ક કરવા 9909515325 પર કરી શકો છો.