જામનગરના સોની વેપારીએ કમિશનની લાલચમાં રૂપિયા ચાર લાખ ગુમાવ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. જામનગરના પિતા-પુત્ર તથા રાજકોટના એક શખ્સે ફાઇનાન્સ કંપનીમાંથી સોનુ છોડાવવાના બહાને રૂા. 4 લાખ ખંખેરી લઇ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત મુજબ, જામનગરના પંચેશ્ર્વરટાવર વંડાફળી આંબલિયા કુવા પાસે રહેતા અને ચાંદીબજાર બુગદામાં શ્રીજી જવેલર્સ નામની દુકાન ધરાવતા પાર્થભાઈ ભુપતભાઈ પોલરા નામના સોની વેપારી પાસે નેમિષ અતુલ પિત્રોડા તથા અતુલ પિત્રોડા ગત તા. 11-12-2024 ના રોજ ફરિયાદી પાસે ગયા હતાં અને તેમનું સાડા આઠેક તોલા જેટલું સોનુ રાજકોટ બજાજ ફાયનાન્સની ઓફિસમાં રૂા.4 લાખ ભરી છોડાવવાનું કહી તે સોનુ બજારમાં વેંચી પોતાનું કમિશન લઇ બીજા રૂપિયા પરત આપવાનું કહ્યું હતું. જેથી ફરિયાદી સહમત થયા હતા. ત્યારબાદ તા.23-12-2024 ના રોજ ફરિયાદી પાર્થભાઈના માતા તથા સાહેદો રૂા.4 લાખ લઇ રાજકોટ ભક્તિનગર પાસે બજાજ ફાયનાન્સની ઓફિસ ખાતે જઈ ત્યાં અન્ય આરોપી યુસુફએ આરોપી નેમિષના કહેવા મુજબ ફરિયાદીના માતા પાસેથી ચાર લાખ બજાજ ફાયનાન્સમાં ભરવાનું કહી ત્યાંથી તેમની પાસેથી રૂપિયા લઇ ત્યાંથી નિકળી ગયા હતાં.
ત્યારબાદ ફરિયાદીના રૂપિયા પરત આપ્યા ન હતાં. આથી ફરિયાદીએ તે રૂપિયા પરત માંગ્યા હતાં. જેથી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રૂપિયા પરત ન કરી છેતરપિંડી આચરી હતી. આથી ફરિયાદી પાર્થભાઈ પોલરા દ્વારા જામનગર સિટી એ ડીવીઝનમાં નેમિષ અતુલ પિત્રોડા, અતુલ પિત્રોડા તથા રાજકોટના યુસુફ સહિત પિતા-પુત્ર સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અંગે સિટી સી ના પીએસઆઇ ડી. જી. રામાનુજ તપાસ ચલાવી રહ્યા છે.