Monday, March 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરનું પરિવાર 35 વર્ષથી સોલાર કુકરનો સહારો - VIDEO

જામનગરનું પરિવાર 35 વર્ષથી સોલાર કુકરનો સહારો – VIDEO

LPG તંગી વચ્ચે પ્રેરણાદાયી કિસ્સો

દેશભરમાં હાલ રાંધણ ગેસની અછત અને વધતા ખર્ચને કારણે લોકો વૈકલ્પિક ઊર્જા તરફ ધ્યાન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં જામનગર શહેરનો એક પરિવાર છેલ્લા ૩૬ વર્ષથી સૌરઉર્જાનો ઉપયોગ કરીને સોલાર કુકરમાં રસોઈ બનાવી રહ્યો છે. જેના કારણે આ પરિવાર ગેસની ચિંતા અને ખર્ચ બંનેથી ઘણો અંશે મુક્ત રહ્યો છે.

- Advertisement -

શહેરના નાગરપરા વિસ્તારમાં રહેતા વિક્રાંતભાઈ માંકડ અને તેમની બહેન કૌશા માંકડ છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી રસોઈ બનાવવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરે છે. જેનાથી ખર્ચ થતો નથી. વર્ષ ૧૯૯૦ના સમયમાં સબસીડી સાથે અંદાજે રૂ.૭૫૦માં ચાર ખાનાવાળું સોલાર કુકર ખરીદ્યું હતું. ત્યારથી હાલ સુધી આ કુકરનો નિયમિત ઉપયોગ થઈ રહ્યો છે અને પરિવારના રોજિંદા જીવનમાં તેનો મહત્વનો ભાગ બની ગયો છે. પરિવાર દરરોજ સવારે લગભગ ૮ વાગ્યે દાળ, ભાત અને શાક જેવી રસોઈની સામગ્રી સોલાર કુકરમાં ગોઠવી દે છે. બપોરે લગભગ ૧ વાગ્યા સુધીમાં તમામ વાનગીઓ ધીમે તાપે સારી રીતે તૈયાર થઈ જાય છે. જો સાંજ માટે ખીચડી અથવા અન્ય ભોજન બનાવવાનું હોય તો તે પણ બપોર પછી સોલાર કુકરમાં મુકી દેવાથી સાંજ સુધીમાં તૈયાર થઈ જાય છે. સોલાર કુકરમાં માત્ર દાળ-ભાત-શાક જ નહીં પરંતુ મમરા, શીંગ, પૈવા અને મુખવાસ જેવી વસ્તુઓ પણ સરળતાથી શેકી શકાય છે. ઘરેથી એકઠી થતી મલાઈ સવારથી સાંજ સુધી સોલાર કુકરમાં રાખવાથી સાંજે શુદ્ધ ઘી પણ તૈયાર થઈ જાય છે.

- Advertisement -

સોલાર કુકરના ઉપયોગથી દર વર્ષે અંદાજે બે ગેસ સિલિન્ડરની બચત થાય છે. ખાસ વાત એ છે કે છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી સતત ઉપયોગ છતાં આ સોલાર કુકરમાં કોઈ મોટી ખામી આવી નથી. સોલાર કુકરનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં રસોઈ માટે ગેસ, વીજળી કે અન્ય ઇંધણની જરૂર પડતી નથી. સૂર્યપ્રકાશના તાપથી રસોઈ બને છે, જેના કારણે ખર્ચ લગભગ શૂન્ય રહે છે. સોલાર કુકરમાં બનેલી રસોઈ ધીમે તાપે પકતી હોવાથી ખોરાકના પોષક તત્વો વધુ જળવાઈ રહે છે અને ખોરાક વધુ સ્વાદિષ્ટ બને છે. આ ઉપરાંત સોલાર કુકરમાં ધુમાડો કે પ્રદૂષણ થતું નથી, જેથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતું નથી. આગ લાગવાની શક્યતા પણ ખૂબ ઓછી હોવાથી તે સુરક્ષિત માનવામાં આવે છે. ગેસ સિલિન્ડર પરનો ખર્ચ ઘટે છે અને કુદરતી ઊર્જાનો ઉપયોગ વધે છે, જે લાંબા ગાળે આર્થિક તેમજ પર્યાવરણ માટે લાભદાયી સાબિત થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular