જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં કારખાનુ ધરાવતા યુવાને 25 લાખ 10 ટકા માસિક વ્યાજે લીધા બાદ આ રકમ પેટે 26 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર દ્વારા કારખાનેદારની મશીનરી અને સરસામાન મળી કુલ રૂા.10,78,000 નો સામાન બળજબરીપુર્વક છીનવી લીધાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ,લાલપુર તાલુકાના હરીપર ગામના વતની અને હાલ રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્ક પાછળ રહેતાં લાલજીભાઈ સવજીભાઈ માણકડા (ઉ.વ.44) નામના વેપારીને દરેડ જીઆઈડીસી ફેસ-3માં 4668 નંબરના પ્લોટમાં આવેલા કારખાના માટે માર્ચ-2023 થી જુદા જુદા સમયે લોઠીયા ગામના ધર્મેશ રાણપરીયા પાસેથી માસિક 10 ટકાના વ્યાજે રૂા.25 લાખ લીધા હતાં અને આ વ્યાજની રકમ પેટે એપ્રિલ-2024 સુધીમાં 26 લાખ રોડા ચૂકવી દીધા હતાં તેમ છતાં વ્યાજખોર ધર્મેશ રાણપરીયા દ્વારા મુળ રકમ અને વ્યાજની ઉઘરાણી કરતા કારખાનેદાર વ્યાજ તથા મુદ્ત ચૂકવી ન શકતા વ્યાજખોરે બળજબરીપૂર્વક કારખાને જઈ લાલજીભાઈના કારખાનામાંથી મશીનરી અને સરસામાન મળી કુલ રૂા.10,78,000 નો સામાન છીનવી લીધો હતો. આ અંગેની લાલજીભાઈ દ્વારા જાણ કરતા પીઆઈ વી.જે. રાઠોડ તથા સ્ટાફે ધર્મેશ રાણપરીયા વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.