જામનગર જિલ્લા પંચાયતનું વર્ષ 2022-23 નું સ્વભંડોળનું અંદાજપત્ર પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારાએ રજૂ કર્યુ હતું. આજે યોજાયેલી જિલ્લા પંચાયતની બજેટ બેઠકમાં 1.75 કરોડની પૂરાંત સાથે વર્ષ દરમિયાન કુલ 8.98 કરોડના ખર્ચની જોગવાઈ ધરાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન જિલ્લા પંચાયતનું સ્વભંડોળ પેટે 4.76 કરોડની આવકનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે.
બજેટ રજૂ કરતા પંચાયત પ્રમુખ ધરમશીભાઈએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયત વિસ્તારના જુદા જુદા વિકાસ કામો માટે બજેટમાં 1.70 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સિંચાઈ ક્ષેત્રે હયાત ચેકડેમની મરામત તેમજ નવા ચેકડેમ બનાવવા માટે 50 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત હેઠળની ગ્રામ પંચાયતો વચ્ચે શ્રેષ્ઠ પંચાયતની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે. આ માટે પુરષ્કાર આપવા રૂા.5 લાખની જોગવાઈ કરવામાં આવી છે. શૈક્ષણિક ઉપકરણો ખરીદવા માટે બજેટમાં 30 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાએ અનુસૂચિત જાતિ તેમજ અન્ય પછાત વર્ગના વિસ્તારમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે રૂા.60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે પંચાયત હેઠળના રસ્તાઓના મરામત માટે એક કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લામાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી રોગ નિવારણ અને ઉકાળા વિતરણ માટે ત્રણ લાખની ફાળવણી કરવામાં આવી છે. બજેટ બેઠકમાં પંચાયતના ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ તેમજ જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.