જામનગર સહિત રાજ્યભરમાં ચાલી રહેલ SIRની કામગીરી અંતર્ગત આજે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેમાં જામનગરમાં કુલ 10,63,620 મતદારોનો આ ડ્રાફ્ટ યાદીમાં સમાવેશ થયો છે. જ્યારે 1,77,477 મતદારોનો જુદા જુદા કારણોસર સમાવેશ થયો નથી. આ અંગે કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.
જામનગર જિલ્લામાં ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કેતન ઠક્કરએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ મતદારયાદીમાં તા. 27-10-2025ની સ્થિતિએ કુલ 12,41,097 મતદારો પૈકી કુલ 10,63,620નો મતદાર ડ્રાફ્ટ રોલમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ 1,77,477 ASD મતદારો (મૃત્યુ 43,112; મળ્યા નથી અથવા તો હાજર મળી આવ્યા નથી 35,450; કાયમી ધોરણે સ્થળાંતર પામેલા 89,029; તેમજ પહેલાથી નોંધાયેલા 6437 અને અન્ય 3449)નો આ ડ્રાફ્ટ મતદારયાદીમાં સમાવેશ થયો નથી. તા. 19 ડિસેમ્બર 2025 થી તા. 18 જાન્યુઆરી 2026 સુધી હક્ક, દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકાશે. આ સમયગાળા દરમ્યાન નવા મતદારો ફોર્મ નંબર 6 ભરી શકશે અને મતદાર અન્ય કોઇ ફેરફાર માટે ફોર્મ નંબર 8 ભરી શકશે.
આ SIR કામગીરીમાં 1241 જેટલા BLO જોડાયા હતા. આ કામગીરી દરમ્યાન 1,29,128 મતદારોનું મેપિંગ થઇ શકયું નથી. એટલે કે 2002ની મતદારયાદીમાં નામ મળ્યું નથી. તેમને નોટીસની બજવણી કરવામાં આવશે અને મતદાર તરફથી રજૂ થયેલ પુરાવાના આધારે નિર્ણય લેવામાં આવશે.


