સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તથા BCCI દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અન્ડર-14 ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની અન્ડર-14 ટીમે શાનદાર અને પ્રભાવશાળી પ્રદર્શન કરીને સમગ્ર જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. સુરેન્દ્રનગર અને ભાવનગર સામે સતત બે ટેસ્ટ મેચમાં ભવ્ય જીત સાથે જામનગર ડિસ્ટ્રિક્ટે કુલ 12 પોઇન્ટ મેળવી પોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રની કુલ 20 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેને છ ગ્રુપમાં વહેંચવામાં આવી હતી. જેમાં જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર રૂરલને ગ્રુપ ‘ઈ’માં રાખવામાં આવ્યા હતા. તારીખ 12થી 19 ડિસેમ્બર દરમિયાન સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી. આ ટુર્નામેન્ટમાં જામનગર ડિસ્ટ્રિક્ટ અન્ડર-14 ટીમે બંને મેચમાં એકતરફી પ્રદર્શન કરીને પોતાનો દબદબો સાબિત કર્યો છે. તમામ ગ્રુપમાંથી વિજેતા બનેલી આઠ ટીમો વચ્ચે આગામી સમયમાં આગળની મેચોનું આયોજન જાહેર કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અંતર્ગત જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન તરફથી મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે નિયમિત ટ્રેનિંગ અને કોચિંગ મેળવી રહેલા હસિત ગણાત્રા, મહર્ષિ વાયડા, પાર્થ સિસોદિયા, રિષભ ભુવા, જેનીલ કવા અને રિષભ મોરિયા સહીતના ખૈલાડીઓએ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ રમતનું પ્રદર્શન કર્યું છે. ટીમના આ શાનદાર પ્રદર્શન બદલ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના હોદેદારો દ્વારા તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પ્રથમ મેચ – જામનગર વિ. સુરેન્દ્રનગર (12-13 ડિસેમ્બર, સુરેન્દ્રનગર)
પ્રથમ મેચમાં સુરેન્દ્રનગરની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. જામનગર ડિસ્ટ્રિક્ટ પ્રથમ ઇનિંગમાં 106 રન કરીને ઓલઆઉટ થઈ હતી, જ્યારે બીજી ઇનિંગમાં 195 રન 5 વિકેટ ગુમાવતા દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં સુરેન્દ્રનગરની ટીમ પ્રથમ ઇનિંગમાં 126 રન અને બીજી ઇનિંગમાં માત્ર 36 રનમાં ઓલઆઉટ થઈ હતી. જામનગર ડિસ્ટ્રિક્ટે આ મેચમાં 149 રનની ભવ્ય જીત મેળવી હતી.
આ મેચમાં પ્રથમ ઇનિંગમાં જેનીલ કવાએ 85 બોલમાં 55 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. બોલિંગમાં જામનગર ટીમના વાઇસ કેપ્ટન મહર્ષિ વાયડાએ 20 ઓવરમાં 6 મેડન સાથે માત્ર 30 રન આપી 5 વિકેટ ઝડપી શાનદાર પ્રદર્શન કર્યું હતું. સાથે જ પાર્થ સિસોદિયાએ 20 ઓવરમાં 9 મેડન સાથે 30 રન આપી 3 વિકેટ મેળવી હતી.
બીજી ઇનિંગમાં ટીમના કેપ્ટન હસિત ગણાત્રાએ 130 બોલમાં 97 રનનો લાજવાબ સ્કોર કર્યો હતો, જ્યારે વિકેટકીપર રિષભ મોરિયાએ 68 બોલમાં 73 રન બનાવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બોલિંગમાં પાર્થ સિસોદિયાએ 14 ઓવરમાં 9 મેડન સાથે માત્ર 11 રન આપી 6 વિકેટ ઝડપી હતી અને મહર્ષિ વાયડાએ 14 ઓવરમાં 6 મેડન સાથે 9 રન આપી 3 વિકેટ મેળવી હતી.
બીજી મેચ – જામનગર વિ. ભાવનગર રૂરલ (15-16 ડિસેમ્બર, સુરેન્દ્રનગર)
બીજી મેચમાં જામનગર ડિસ્ટ્રિક્ટે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ ઇનિંગમાં જામનગરની ટીમે 322 રનનો વિશાળ સ્કોર ખડક્યો અને બીજી ઇનિંગમાં 137 રનમાં 4 વિકેટ ગુમાવતા દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં ભાવનગર રૂરલની ટીમ પ્રથમ ઇનિંગમાં ખૂબ ઓછા રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને બીજી ઇનિંગમાં પણ માત્ર 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે જામનગર ડિસ્ટ્રિક્ટે 323 રનની ભવ્ય જીત નોંધાવી.
આ મેચમાં પ્રથમ ઇનિંગમાં કેપ્ટન હસિત ગણાત્રાએ 148 બોલમાં 137 રનની શાનદાર સદી ફટકારી હતી. સાથે જ ચિરાગ ધરીવાલે 139 બોલમાં 76 રનનું ઉપયોગી યોગદાન આપ્યું હતું. બોલિંગમાં રિષભ ભુવાએ 12 ઓવરમાં 6 મેડન સાથે 11 રન આપી 5 વિકેટ ઝડપી હતી, જ્યારે મહર્ષિ વાયડાએ 9 ઓવરમાં 3 મેડન સાથે 12 રન આપી 3 વિકેટ મેળવી હતી.
બીજી ઇનિંગમાં હસિત ગણાત્રાએ 59 બોલમાં 62 રન બનાવ્યા અને ચિરાગ ધરીવાલે 47 રન ઉમેર્યા. બોલિંગમાં મહર્ષિ વાયડાએ 12 ઓવરમાં 7 મેડન સાથે 18 રન આપી 4 વિકેટ ઝડપી, રિષભ ભુવાએ 9 ઓવરમાં 4 મેડન સાથે 28 રન આપી 3 વિકેટ મેળવી અને પાર્થ સિસોદિયાએ 8 ઓવરમાં 1 મેડન સાથે 16 રન આપી 3 વિકેટ મેળવી હતી.
જામનગર ડિસ્ટ્રીકટ અન્ડર-14 ટીમમાં હસિત ગણાત્રા – કેપ્ટન, ઓપનર બેટ્સમેન, મહર્ષિ વાયડા – વાઈસ કેપ્ટન, લેફ્ટ આર્મ સ્પિનર, 3. રિષભ મોરીયા – વિકેટકીપર / બેટ્સમેન, અર્જુન જાડેજા – રાઈટ આર્મ પેસ બોલર, ચિરાગ ધરીવાલ – ઓપનર બેટ્સમેન, જેનીલ કવા – બેટ્સમેન, કુશાલ દુધરેજીયા – બેટ્સમેન, પાર્થ સિસોદિયા – રાઈટ આર્મ લેગ સ્પિનર, રિષભ ભુવા – રાઈટ આર્મ ઓફ સ્પિનર, રુષીલ બારડ – પેસ બોલર, વંશ સોલંકી – બેટ્સમેન, બીથોવન ઝાલા – લેફ્ટ આર્મ સ્પિનર, હિતાંશ દાઉદીયા – પેસ બોલર, રિધ્ધીમાન જાડેજા – બેટ્સમેન, વિહાન ઝાલા – બેટ્સમેન, વ્રજ પરમાર – રાઈટ આર્મ ઓફ સ્પિનરનો સમાવેશ છે.
બંને મેચમાં જામનગર ડિસ્ટ્રિક્ટ અન્ડર-14 ટીમે એકજૂથ બની બેટિંગ, ફિલ્ડિંગ અને બોલિંગમાં શ્રેષ્ઠ સમન્વય દર્શાવી શાનદાર રમત રજૂ કરી છે. આ પ્રભાવશાળી પ્રદર્શન સાથે 12 પોઇન્ટ મેળવી જામનગર ના ક્રિકેટ પ્રેમી ઓ ને ગૌરવ અપાવ્યું હોવાનું જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના મેનેજર ભરત મથ્થર દ્વારા જણાવવામાં આવ્યું છે.


