જામનગરમાં પર્યટન સ્થળો પર ફરવા ગયેલ યુગલોના વિડિયો ઉતારી સોશ્યલ મિડીયામાં વાયરલ કરવાનો ભય બતાવી પૈસામાંગી તોડ કરતાં બે શખ્સોને જામનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં લાખાબાવળ પાસે ગત્ તા.2/7/2022ના રોજ ઓનલાઇન વિડિયો વાયરલ કરવાનો ભય બતાવી બ્લેકમેઇલ કરી તોડ કરતા હોવાનું જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપીઓ દ્વારા પત્રકાર તરીકેની ઓળખ આપી ફરિયાદી તેમજ તેની મહિલા મીત્રનો વિડિયો ઉતારી વાયરલ કરી સામાજીક બદનામ કરવાની ધમકી આપી વિડિયો વાયરલ ન કરવા ફરિયાદી પાસે દોઢ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાદમાં ફરિયાદી પાસેથી ઓનલાઇન ગુગલ પેના માધ્યમથી રૂા.20,000 પડાવી લીધા હતાં. આ દરમ્યાન બે શખ્સો લાલપુર બાયપાસ ચોકડી નજીક હોવાની સાયબર ક્રાઇમના હેકો.કુલદીપસિંહ જાડેજાને બાતમી મળી હતી.
બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને સાયબર ક્રાઇમના પીઆઇ પી.પી.ઝા, પીએસઆઇ એ.આર.રાવલ, એએસઆઇ ડી.જે.ભુસા, એએસઆઇ સી.કે.રાઠોડ, હેકો.ભગીરથસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, પો.કો.ધર્મેશભાઇ વનાણી, રાજેશભાઇ પરમાર, ડબ્લ્યુપીસી રંજનાબેન વાધ,એલઆરપીસી રાવલભાઇ મકવાણા, વિકીભાઇ ઝાલા, જેશાભાઇ ડાંગર, પુજાબેન ધોળકિયા, ડબ્લ્યુએલઆર નિલમબેન સિસોદિયા, નિતાબેન હિરાણી, અલ્કાબેન કરમુર, પંચ-બીના હેકો. નિર્મળસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા દ્વારા લાલપુર બાયપાસ ચોકડીથી પ્રવિણ કરસન પરમાર તથા પ્રકાશ વાલજી ચાવડા નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં. તેમજ આરોપીઓ પાસેથી એક ટેબલેટ, ત્રણ નંગ મોબાઇલ ફોન, એક પેનડ્રાઇવ, બે એકસ્ટ્રા સીમકાર્ડ, બે મેમરીકાર્ડ, ત્રણ ડેબિટ કાર્ડ, ચાર અલગ-અલગ ઓળખ કાર્ડ, એક આંબેડકર દર્પણ લખેલુ માઇક, ટીવીએસ ઝયુપીટર તથા 1930ની રોકડ સહિતનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.
આરોપી પ્રવિણ કરસન પરમાર વિરૂધ્ધઆ પ્રકારનો બીજો ગુનો નોંધાયો છે. અગાઉ ખંભાળિયામાં આ જ પ્રકારનો ગુનો નોધાય ચુકયો છે. કોઇ પણ નાગરિકોને આ પ્રકારના ખોટા તોડ કે વિડિયો કે ફોટો સોશ્યલ મિડિયામાં વાયરલ કરવાની ધમકી આપવામાં આવે તો ભોગ ભનનારને જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવાયું છે.