દેશમાં પેટ્રોલ-ડિઝલ, રાંધણગેસ, દૂધ, ખાદ્ય તેલ સહિતની અનેક ચીજવસ્તુઓના ભાવો સતત વધી રહ્યાં છે. કોરોના મહામારી વચ્ચે લોકડાઉનના કારણે ગરીબ તથા મધ્યમવર્ગના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. લોકોને વેપાર-ધંધા, રોજગાર બંધ થતાં જીવન નિર્વાહ મુશ્કેલ થયો છે. તેવામાં ભાવ વધારાથી લોકોના ઘરનું બજેટ ખોરવાયું છે. આવકમાં ઘટાડો અને ખર્ચ વધવાના કારણે સામાન્ય પરિવાર માટે પરિસ્થિતિ મુશ્કેલ બની છે. આ મોંઘવારી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યમાં વધતી જતી મોંઘવારીનો અનોખો વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે અંતર્ગત જામનગર કોંગ્રેસ દ્વારા પણ મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
દેશમાં વધતી મોંઘવારી સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર કોંગ્રેસ દ્વારા દરેક મહાનગરપાલિકામાં મોંઘવારી વિરોધ પ્રદર્શન કાર્યક્રમ જાહેર કરાયા છે. જેના ભાગરૂપે આજરોજ જામનગર શહેર કોંગ્રેસ વોર્ડ નં. 3 તથા 4 દ્વારા બી.એમ. ઝાલા સ્કૂલ, ગાયત્રીચોક ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અનોખુ નાટક સહિતના આશ્ર્ચર્યજનક હાસ્યાસ્પદ કાર્યક્રમો થકી મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ તકે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટરો રચનાબેન નંદાણીયા, જેનબબેન ખફી તેમજ સહારાબેન મકવાણા સહિતના કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી મોંઘવારીના રાક્ષસનો વિરોધ કરી તેનો વધ કરી અનોખા કાર્યક્રમ દ્વારા વિરોધ વ્યક્ત કરાયો હતો.