જામનગર શહેરના રામેશ્વરનગરના શકિતપાર્ક સોસાયટીમાં રહેતી યુવતીએ તેણીના ઘરે એકલી હતી ત્યારે રૂમના પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી છે.
આ બનાવની વિગત મુજબ જામનગરમાં રામેશ્વરનગર ખાતેના શક્તિ પાર્ક સોસાયટીની શેરી નંબર એકમાં રહેતી ભૂમિબેન અરવિંદભાઇ મકવાણા (ઉ.વ.21) નામની યુવતી તેણીના ઘરે એકલી હતી ત્યારે અગમ્ય કારણોસર રૂમના પંખામાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. દરમ્યાન બે-ત્રણ દિવસથી ઘરમાં લટકતા મૃતદેહના કારણે અસહ્ય દુ:ર્ગંધ આવતી હોવાની રહેવાસીઓ દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી. જી. રાજ તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારબાદ મકાનમાંથી ભૂમિબેનનો મૃતદેહ મળી આવતાં પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરતાં મૃતક યુવતીના પિતાનું મૃત્યુ થયું હતું. તેની માતા ભાવનાબેન અને ભાઇ મિલન સાથે રહેતી હતી.
વધુમાં મળતી વિગત મુજબ મૃતક યુવતી તેણીના પરિવારજનોના કહ્યામાં ન હોવાનું જાણવા મળ્યું છે. એક સપ્તાહથી યુવતીની માતા ભાવનાબેન તેમના માતાની તબીયત સારી ન હોવાથી રાજકોટ તેમના પુત્ર મિલન સાથે ગયા હતા. પોલીસે તપાસ આરંભી યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કારણ જાણવા ચક્રો ગતિમાન કર્યા હતા.


