જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા વેપારી યુવાનને શેરબજારની જાણકારી હોવાનું જણાવી વેપારી પાસે એક લાખનું રોકાણ કરાવી નફાના બે લાખ 86 હજાર મળી કુલ રૂા.3,86,100 ની દિલ્હીના શખ્સને છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા સરદાર પાર્ક 1 માં બ્લોક નંબર-40/45 માં રહેતા તેજુસ્વામી બજરંગલાલ સ્વામી (ઉ.વ.30) નામના વેપારી યુવાનને દિલ્હીમાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતા પવનકુમાર રાકેશકુમાર મથુરીયા નામના શખ્સે વેપારીને શેરબજારની સારી જાણકારી હોવાનું જણાવી પોતાના પ્રોફાઈલ આઈડીમાં એક લાખ રૂપિયાનું રોકાણ કરાવી ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી હતી. તેમજ વેપારી તથા તેના પિતરાઇ નામના બન્નેના ખાતામાંથી રૂપિયા નખાવી રોકાણ કરાવ્યું હતું.આ રોકાણમાં વેપારીને રૂા.2,86,000 નો નફો થયો હતો. જેથી વેપારીના ખાતામાં રૂા.3,86,100 ની જમા રકમ મેળવવા માટે વેપારીએ અવાર-નવાર દિલ્હીના પવનકુમારનો સંપર્ક કર્યો હતો. પરંતુ, દિલ્હીના ઠગે વેપારીને રૂા.3.86 લાખની રકમ નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત કર્યો હતો. બાદમાં વેપારી દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એન. પરમાર તથા સ્ટાફે દિલ્હીના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.