ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતી હોવાથી હજુ પણ આગામી થોડા દિવસો સુધી જામનગર સહિતના ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થશે. ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાવાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે.જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીએ અડિંગો જમાવ્યો છે. 10 ડિગ્રી આસપાસ સ્થિર થયેલાં ન્યુનત્તમ તાપમાનને કારણે ટાઢોડું ઘર કરી ગયું છે.
ઠંડા પવનોની અસરથી રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જામનગર કલેકટરકચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર જામનગરમાંલઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રી, મહત્તમ તાપમાન 24 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 44 ટકા નોંધાયું હતું. જામનગર-દ્વારકા સહિત હાલારભરમાં છેલ્લા એકાદ સપ્તાહથી ઠંડીનુ જોર ઉતરોત્તર વધી રહયુ છે. તિવ્ર ઠંડી સાથે વેગીલો વાયરો ફુંકાતા સાંજ ઢળતા જ વાતાવરણ ઠંડુગાર રહે છે.તાપમાનનો પારો 10-11 ડિગ્રી આસપાસ હોવા છતાં લોકોને 6-7 ડિગ્રી જેવી ઠંડી નો અહેસાસ કરી રહ્યા છે.
ખાસ કરીને રાત્રિના સમયે સર્વત્ર બેઠો ઠાર છવાઇ જતાં ફૂટપાથ પર અને ઝૂંપડાઓમાં રહેતાં લોકોની હાલત કફોડી બની છે. સતત ઠંડી અને સૂસવાટા મારતા ઠંડા પવનોને કારણે જનજીવન સાથે પશુ-પક્ષીઓ પણ ઠુંઠવાઇ ગયા છે. તિવ્ર ઠંડીના કારણે મોડી સાંજ બાદ સતત ધમધમતા માર્ગો પર નહીવત ચહલ પહલ જોવા મળે છે. શહેરના જુદા જુદા માર્કેટોમાં સવારે મોડી અવર જવર જોવા મળે છે