તામિલનાડુમાં હાયરસેક્ધડરીની વિદ્યાર્થીની પર ધર્મ પરવિર્તનનું દબાણ લાવી આત્મહત્યા સુધી દોરી જવાની ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જામનગરમાં ડીકેવી સર્કલ પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
એબીવીપીના કાર્યકર્તાઓએ ડીકેવી સર્કલ પાસે એકત્ર થઇને પ્લેકાર્ડ દર્શાવી ધર્મ પરિવર્તન માટે દબાણ કરનાર હાયર સેક્ધડરી સ્કૂલના સત્તાધિશો સામે પગલાં લેવાની અને તેમની સામે ગુનો નોંધવાની માંગણી કરી હતી. કાર્યકરોએ સ્કૂલના અધિકારીઓને પ્રતિકાત્મક પૂતળું બનાવી તેમના પર ફીટકાર વરસાવ્યો હતો. તામિલનાડુના થંજાવુરમાં થોડા દિવસો પહેલાં 12માં ધોરણમાં અભ્યાસ કરતી એમ. લાવણીયા નામની વિદ્યાર્થીનીએ કથિત ધર્મ પરિવર્તનના માનસિક ત્રાસથી આત્મહત્યા કરી લીધી હતી. જેને કારણે જુદા-જુદા હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી પ્રગટી હતી. આ વિરોધ પ્રદર્શન એબીવીપીના નગરમંત્રી જયદેવસિંહ જેઠવાની આગેવાની હેઠળ આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.