જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો ફરી એક વખત સિંગલ ડિઝીટમાં પહોંચી જતાં કાતિલ ઠંડીથી શહેરીજનો થથરી ઉઠયા હતા. લઘુતમ તાપમાનનો પારો 9.5 ડિગ્રીએ પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. કાતિલ ઠંડીને પરિણામે શહેરીજનો અકળાઇ ઉઠયા હતા અને ફરી એક વખત ઠંડીનો અસલ મિજાજ જોવા મળ્યો હતો. લોકો તાપણાનો સહારો લેવા મજબુર બન્યા હતા.
ઉતર ભારતના કાતિલ પવનો તેમજ હિમવર્ષા સહિતની બાબતોની જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં અસર જોવા મળી રહી છે. શિયાળાનો અસલ મિજાજ જામતો હોય તેવું દેખાઇ રહયું છે. મકરસંક્રાંતિનું પર્વ નજીક આવી રહયું છે. ત્યારે ઠંડી પણ જામતી થઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો દોઢ ડિગ્રી જેટલો ગગડીને સિંગલ ડિઝીટમાં પહોંચી ગયો છે. આ સિઝનમાં ફરી એક વખત લઘુતમ તાપમાન સિંગલ ડિઝીટમાં પહોંચ્યું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 9.5 ડિગ્રી, મહતમ તાપમાન 24.5 ડિગ્રી, ભેજનું પ્રમાણ 5પ ટકા અને પવનની ગતિ 5.3 કિલોમીટર પ્રતિકલાકની નોંધાઇ હતી.
જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝીટમાં પહોંચી જતાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. શહેરમાં બર્ફિલા પવન અને બેઠા ઠારથી જનજીવન પ્રભાવિત થયું છે. ઠંડીથી બચવા લોકો મોડી રાત્રે તેમજ સવારના સમયે પણ તાપણાનો સહારો લેતા જોવા મળી રહયા છે. માનવીઓની સાથે-સાથે પશુ, પક્ષીઓની હાલત પણ કફોડી બની હતી. આ સાથે મંદિરોમાં પણ ભગવાનને ગરમ વસ્ત્રોનો શણગાર કરવામાં આવી રહ્યો છે. જામનગર શહેરમાં મોડી રાત્રે કાતિલ ઠંડીથી માર્ગો સુમસામ બનતા જઇ રહયા છે. બાળકો તથા વૃધ્ધો કામ સિવાય બહાર જવાનું ટાળી રહયા છે. શહેર ઉપરાંત ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોધપુર, કાલાવડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી રહી છે. ખેતરમાં કામ કરતાં ખેડૂતો, મજૂરો તીવ્ર ઠંડીને પરિણામે મુશ્કેલીમાં મુકાયા છે.
ગ્રામ્ય વિસ્તારોની સાથે-સાથે શહેરમાં લોકો કાતિલ ઠંડીથી તોબા પોકારી ઉઠયા છે. વહેલી સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓ તેમજ નોકરીયાત વર્ગો ઠંડીને પરિણામે ઠુંઠવાતા જોવા મળ્યા હતા. ઠંડીથી બચવા લોકો હિટર, તાપણાનો સહારો લઇ રહયા છે. આ સાથે-સાથે ચા, કોફી, કાવો સહિતના ગરમ પીણાની માંગ પણ વધતી જઇ રહી છે. સ્વાસ્થ્ય વર્ધક એવા શિયાળાની કાતિલ ઠંડી વચ્ચે લોકો યોગ કસરત તેમજ રનિંગ પણ કરી રહયા છે. મકરસંક્રાતિ નજીક આવતા ઠડીનું પ્રમાણ હજુ પણ વધવાની શકયતા છે. ફુટપાથ પર વસતા ભિક્ષુકો સહિતના પણ કાતિલ ઠંડીને પરિણામે ભારે મુશ્કેલીમા મુકાયા છે.