જામનગર શહેરમાં આજે કલ્યાણજીના મંદિર પાસે આવેલા નૂતન દેવબાગમાં બિરાજમાન નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ દેરાસરના સ્વપ્નદ્રષ્ટતા અને શંખેશ્ર્વરપૂરમર્થિતના પ્રેરક પ.પૂ. આચાર્યદેવ લબ્ધિચંદ્રસાગરસુરિશ્ર્વરજી મ.સા. આદિ ઠાણા તથા પ.પૂ. સાધ્વીજી પ્રશમા નંદશ્રીજી મહારાજ આદિ ઠાણાનું સામૈયું આજે શહેરના પ્રવેશદ્વાર સમા ત્રણદરવાજાથી બેન્ડવાજા સાથે વાજતે-ગાજતે ભાઇઓ-બહેનો, બાળકો તથા નાની બાલિકાઓએ માથે કુંભ લઇને સ્વાગત કરાયું હતું.
ત્રણ દરવાજાથી ગ્રેઇન માર્કેટ, સજુબા સ્કૂલ, રતનબાઇ મસ્જિદ, ગાંધીના બાવલા પાસેથી થઇ ચાંદીબજારમાં મોટાશાંતિનાથ દેરાસરે મહારાજસાહેબ તથા ભાઇઓ-બહેનોએ દર્શન કર્યા હતાં. ત્યાંથી નિકળી કલ્યાણજી મંદિરે દેવબાગમાં પહોંચી ત્યાં બિરાજમાન નાગેશ્ર્વર પાર્શ્ર્વનાથ દેરાસરમાં ભગવાનના દર્શન કરી. દેવબાગ ઉપાશ્રયમાં આચાર્યદેવ આદી ઠાણા તથા ગયણિજી મહારાજ સાહેબ આદી ઠાણા બિરાજમાન થયા હતાં અને ઉપાશ્રયમાં પ.પૂ. આચાર્ય લબ્ધિચંદ્રસાગરસુરિશ્ર્વરજી મ.સા.એ વ્યાખ્યાન ફરમાવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, આ દેવબાગ જ્યારે જર્જરીત અવસ્થામાં હતું ત્યારે થોડી જ ક્ષણોમાં જિર્ણોધ્ધારનો સંકલ્પ કરતાં સૌએ સાથે મળીને નક્કી કરેલ હતું. જે પાર કડેલ હતું. ઉપરાંત તેમણે કહ્યું કે, માણસે તમામ જીવો માટે કંઇ કરી છૂટવાનો સંકલ્પ લેવો જોઇએ. દરેક જીવ પ્રત્યે આદરભાવ રાખવો જોઇએ અને પોતાનાથી બનતું બીજા માટે કરવું જોઇએ. જીવદયા પ્રત્યે લાગણી રાખી સારા કાર્યો કરવા જોઇએ. વ્યાખ્યાન બાદ દેવબાગ આયંબિલ ભુવનમાં નવકારશી રાખવામાં આવી હતી. જેનો લાભ સ્તુતિબેન તથા ગુરૂભક્ત નિષાબેન પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો. જેમાં દેવબાગ પેઢીના કાર્યકરોએ સાથ અને સહકાર આપેલ હતો.