જામનગરમાં શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, ચાંદીબજારમાં આવેલ શેઠજી જિનાલય સંચાલિત લાલબાગ પાસે આવેલ મોટા ઉપાશ્રય (બહેનોના)માં ચાલુ વર્ષે ચાતુર્માસ પૂર્ણ કરેલ પ.પૂ. આચાર્ય ભક્તિસુરીશ્વરજી મ.સા. સમુદાયના પ્રશમધર્માશ્રીજી સાધ્વીજી મહારાજ સાહેબ ગઇકાલે શુક્રવારે બપોરે કાળધર્મ પામ્યા હતાં. જેના ગઇકાલે બપોરે 4 વાગ્યાથી રાત્રીના સુધી મોટી સંખ્યામાં જૈન-જૈનેતર ભાઇઓ-બહેનો-બાળકો, સમસ્ત જૈન સંઘના લોકો દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. જેની પાલખીયાત્રા આજે સવારે 9:30 વાગ્યે મોટાઉપાશ્રયથી નિકળી હતી. આ સમુદાયના સાધ્વીજી મહારાજ સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં મોટી સંખ્યામાં સંઘના શ્રેષ્ઠીઓ, સંઘના ભાઇઓ-બહેનો ઉમટી પડયા હતાં. ઉપરાંત શ્રી વિશા શ્રીમાળી બેન્ડ ગ્રુપે પણ પાલખી યાત્રામાં બેન્ડ વગાડી પાલખીયાત્રામાં જોડાયા હતાં.

ગઇકાલે શુક્રવારે બપોરે પ.પૂ.આચાર્ય ભક્તિસુરીશ્વરજી મ.સા. સમુદાયના પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ ફુલચંદ્રસુરીશ્વરજી મ.સા.ના આજ્ઞાનુવર્તી, પૂ. સાધ્વી હેમ-સુરેન્દ્ર-પૂણ્યપ્રભાશ્રીજી મ.સા.ના શિષ્યા પ્રશમધર્માશ્રીજી મહારાજ સાહેબ (ગયણિજી મહારાજ) ગઇકાલે શુક્રવારે બપોરના 2 વાગ્યાના અરસામાં કાળધર્મ પામ્યા હતાં. ત્યારબાદ બપોરના 4 વાગ્યાથી સમસ્ત જૈન સંઘ તથા જૈનેતરો માટે દર્શન માટે મોટી સંખ્યામાં મોટા ઉપાશ્રયે લોકો ઉમટી પડયા હતાં. પ.પૂ. પ્રશમધર્માશ્રીજી મ.સા.એ 23 વર્ષની ઉંમરે સંસાર ત્યાગ કરી સ્વયંના માર્ગને પામ્યા હતાં. 68 વર્ષના હતાં. તેમણે 45 વર્ષ પહેલા દિક્ષા લીધી હતી. પૂ. મહારાજ સાહેબ અરિહંત પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં સિધ્ધપદને પામ્યા હતાં. પાલખીયાત્રામાં હાલમાં જામનગર વતની એવા પ.પૂ. હેમન્તવિજયજી મ.સા.એ શ્રી વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ બેન્ડને પ્રોત્સાહન આપી શરુ કરાવ્યું હતું. તે બેન્ડના ભાઇઓ-બાળકોએ બેન્ડ વગાડી પાલખીયાત્રામાં જોડાયા હતાં.
પાલખીના ચડાવવામાં અગ્નિદાહ તથા દોણીનો લાભ શ્રી સંઘે પ.પૂ. સાધ્વીજ ભગવંતના સંસારી પરિવારને આપેલ હતો. આજે સવારે 8:15 વાગ્યે બીજા ચડાવવાની બોલી બોલવામાં આવી હતી. બાદમાં સવારે 9:30 વાગ્યે મોટાઉપાશ્રયથી પ.પૂ. પ્રશમધર્માશ્રીજી મ.સા.ની પાલખીયાત્રા નિકળી હતી. જે ચાંદીબજારમાં શેઠજી દેરાસર થઇ ચાંદીબજારથી ગાંધીના બાવલા, સજુબા સ્કૂલ, ગ્રેઇન માર્કેટ થઇ સ્મશાન ગૃહે પાલખીયાત્રા પૂર્ણ થઇ હતી.