ગોંડલ સંપ્રદાયના પૂ. વિમળાબાઇ મહાસતિજી નાદુરસ્ત તબિયતને કારણે દેવલાલીમાં સ્થિર હતાં. ત્યાં ગઇકાલે તા. 29ના રાત્રે 9:21 કલાકે સમાધિ ભાવે કાળધર્મ પામ્યા છે. તેઓ 91 વર્ષના હતાં. તેઓની પાલખી યાત્રા આજે સવારે 11 કલાકે લામ રોડ, દેવલાલીથી નિકળી હતી. પાલખીયાત્રામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર-ગુજરાતની જૈન ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. રાષ્ટ સંત પૂ.પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા.ના પાવન સાનિધ્યમાં મંગળવારે સવારે 9 કલાકે પૂ.વિમળાબાઈ મ.ની દેવલાલી ખાતે સાધ્વી રત્ના પૂ. તરુબાઈ મ.સ.ની શુભ નિશ્રામાં પણ ગુણાનુવાદ સભા યોજાશે.
પૂ.જયોતિબાઈ મહાસતિજી તથા પૂ. હંસાબાઈ મ.અગ્લાન ભાવે સેવા-વૈયાવચ્ચ કરેલ હતી. સેવાભાવી બહેનો કંચનબેન, હેમાબેન, શીલાબેન, સરોજબેન વગેરે વૈયાવચ્ચ પ્રેમીઓએ અજોડ સેવા કરી હતી. પૂજ્ય વિમળાબાઈ મ.ના પરિવારમાંથી પૂ. હંસાબાઈ મ. ગુરુ પ્રાણ પરિવારમાં દીક્ષિત થયા હતાં.
ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારીએ જણાવ્યું કે આદર્શ વૈરાગી વિમળાબેન ધીરજલાલ મગીયાને 24 વર્ષની યુવાન વયે કરેમિ ભંતેનો પાઠ પૂ. પ્રાણલાલજી મ.સા. સાવરકુંડલાની ધન્ય ધરા ઉપર ફરમાવેલ હતું. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે પૂ. વિમળાબાઈ મહાસતિ છેલ્લા ઘણા વર્ષોથી નાદુરસ્ત આરોગ્યને કારણે દેવલાલી ખાતે સ્થિરવાસ હતા. સરળ,ભદ્રિક પૂ.વિમળાબાઈ મહાસતિજી નિત્ય હજારો ગાથાઓની સ્વાધ્યાય કરતાં. પ્રખર વ્યાખ્યતા હતા. જિનવાણી સરળ શૈલીમાં ફરમાવતાં હતાં. ચંદ્રકાન્તભાઈ શેઠે જણાવ્યું કે પૂ.વિમળાબાઈ મહાસતિજી કાળધર્મ પામતા ગોંડલ સંપ્રદાય તેમજ જિન શાસનને બહુ મોટી ખોટ પડી છે. પૂ.વિમળાબાઈ મ.નો આત્મા શીઘ્રાતિ શીઘ્ર શાશ્ર્વત સુખોને પામે તેવી દેવાધિદેવને પ્રાર્થના. તેમની પાલખીયાત્રા આજે સવારે 11 કલાકે નીકળી હતી.