રાજ્યકક્ષાના ગૃહ બાબતોના કેન્દ્રીયમંત્રીએ લોકસભામાં માહિતી આપી હતી કે દેશમાં આવેલી જેલોમાં 4.4 લાખ કેદીઓને રાખવાની ક્ષમતા છે. જોકે તેની સામે 5.5 લાખ કેદીઓને જેલમાં પૂરી દેવાયા હતા. આ માહિતી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડામાં સામે આવી હતી. તેઓ આસામથી કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલિકના સવાલનો જવાબ આપી રહ્યા હતા.
રાજ્યકક્ષાના ગૃહ બાબતોના મંત્રી અજય મિશ્રાએ કહ્યું હતું કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો પાસે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી જેલો વિશેનો તમામ રેકોર્ડ રહે છે. તેણે તેના વાર્ષિક અહેવાલ ’ભારતમાં જેલોની સંખ્યા’માં આ માહિતી પ્રકાશિત કરી હતી. તાજેતરનો તેનો આ રિપોર્ટ 2021નો છે. ગઈછઇના આંકડાના આધારે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર 31 ડિસેમ્બર 2021ના રોજ દેશભરમાં જેલમાં કેદ રખાયેલા કેદીઓની સંખ્યા 5,54,034 હતી.જ્યારે આ તમામ જેલોમાં કેદીઓને કેદ રાખવાની ક્ષમતા તો ફક્ત 4,25,069ની જ હતી.
ઉત્તરપ્રદેશની વાત કરીએ તો અહીં જેલમાં કેદીઓને કેદ રાખવાની ક્ષમતા 63,751 છે પણ તેની સામે લગભગ બમણાં 1,17,789 કેદીઓને કેદ રખાયા હતા. જ્યારે બિહારમાં જેલની ક્ષમતા 47,750 કેદીઓની છે અને તેની સામે ક્ષમતાથી 50 ટકા વધુ 66,879 કેદીઓને કેદ રખાયા હતા.