હવેથી રેલવેના પાટા ગેરકાયદે રીતે ઓળંગતા કે પછી પાટાની નજીકમાં કે પાટા પર ચાલતા સેલ્ફી લેતાં પકડાયાં તો ભારે પડી જશે. રેલવેએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સ્પષ્ટ રીતે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે રેલવેના પાટાને ગેરકાયદે રીતે ઓળંગનારા લોકો સામે રેલવેના કાયદાની વિવિધ જોગવાઈઓ હેઠળ પકડીને દંડ વસૂલવામાં આવે અને જરૂરી હોય તો તેમને જેલ મોકલાય.
ઉત્તર રેલવેના જનરલ મેનેજર શોભન ચૌધરીએ પાંચ રેલવેમંડળના મેનેજર તથા અધિકારીઓ સાથે આ મામલે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં રેલવેના પાટા નજીકના અતિક્રમણની સાથે જ પાટાને ઓળંગવા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેને લઈને ચૌધરીએ કડક પગલાં ભરવાનો નિર્દેશ આપ્યો હતો. કાયદા હેઠળ જેલ મોકલવાની પણ તૈયારી બતાવવામાં આવી છે.
બેઠકમાં કહેવાયું કે રેલવેના ફાટકની આજુબાજુ થયેલા અતિક્રમણને લીધે ટ્રેનોના સંચાલનમાં મોટો અવરોધ પેદા થાય છે. આ ઉપરાંત હાઈસ્પીડ રેલવે સેક્શનના કિનારે બાઉન્ડ્રી વોલનું નિર્માણ કરાશે એટલા માટે અતિક્રમણ હટાવવું જરૂરી થઈ ગયું છે. બેઠકમાં કહેવાયું કે રેલવે માટે સુરક્ષા સર્વોપરી છે.