જામનગર જિલ્લામાં વસવાટ કરતાં લક્ષ્મીબેન વાઘેલાના લગ્ન પડધરી, જિલ્લા જામનગર ખાતે રહેતા દેવજી મનજી વાઘેલા સાથે થયેલ હતાં તથા લગ્નજીવનથી એક સંતાનનો જન્મ થયો હતો. તેઓને દેવજીભાઇ વાઘેલા દ્વારા અવાર-નવાર મારકૂટ કરી દુ:ખત્રાસ આપવામાં આવતો તથા લગ્નજીવન દરમિયાન અનેકવાર મારકૂટ કરેલ તથા દહેજની માંગણી કરી કાઢી મૂકવામાં આવતાં અરજદાર લક્ષ્મીબેન વાઘેલાએ પોતાનું તથા સગીર પુત્રનું ભરણપોષણ મેળવવા જામનગરની અદાલતમાં ડોમેસ્ટીક વાયોલેન્સ એકટ મુજબની ફરિયાદ દાખલ કરેલ જે અંગે અરજદાર લક્ષ્મીબેન દેવજીભાઇ વાઘેલા તથા સગીર પુત્ર યશ વાઘેલા બન્નેનું મળી માસિક રૂા. 3000 ચૂકવી આપવા સામાવાળા દેવજીભાઇ વિરુધ્ધ તા. 10-1-19ના હુકમ થયેલ હતો. અરજદાર લક્ષ્મીબેન દ્વારા તેઓના પતિ દેવજીભાઇ વિરુધ્ધ 21 માસની ચડત ભરણપોષણની રકમ રૂા. 63,000 મેળવવા કિ.પ્રો. કોડની કલમ 125(3) મુજબની અરજી કરેલ જેમાં સામાવાળા હાજર ન થતાં તેઓ વિરુધ્ધ પકડ વોરંટ કાઢવામાં આવેલ હતો તથા વોરંટ અન્વયે પડધરી પો.સ્ટે. દ્વારા દેવજીભાઇને પકડી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તથા ચડત ભરણપોષણની રકમ રૂા. 63 હજાર ન ભરી શકતા જામનગરના જ્યુ.મેજી. એસ.બી. ચૌહાણ સમક્ષ અરજદાર તરફે કરવામાં આવેલ દલીલો ધ્યાને લઇ સામાવાળાએ અરજી અન્વયે એક માસની રકમ નહીં ચૂકવવા અંગે સામાવાળા દેવજીભાઇને 210 દિવસની સાદી કેદની સજા ફરમાવવા હુકમ કરી જેલ હવાલે કરેલ છે. આ કેસમાં અરજદાર લક્ષ્મીબેનના વકીલ તરીકે બેનઝીર એ. જુણેજા તથા કપીલ એસ. તિર્થાંણી રોકાયા હતાં.


