ITRA, જામનગર દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2026ની ઉજવણી નિમિત્તે 3D સાયન્સ ફિલ્મ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. જે ભારતીય ભૌતિકશાસ્ત્રી સી. વી. રમણ દ્વારા 28 ફેબ્રુઆરી, 1928ના રોજ ‘રમણ ઇફેક્ટ’ની શોધની યાદમાં ઉજવવામાં આવે છે. આ ઐતિહાસિક શોધ બદલ તેમને 1930માં ભૌતિકશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આ 3D સાયન્સ ફિલ્મ શો અંતર્ગત જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળની વિવિધ સરકારી શાળામાં અભ્યાસ કરતા ધોરણ 6 થી 10ના અંદાજે 2500 વિદ્યાર્થીઓને ફિલ્મ બતાવવામાં આવી રહી છે. આ ફિલ્મ શો ખાસ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રચાયેલ છે અને તેનો સંપૂર્ણ ખર્ચ ITRA, જામનગર દ્વારા વહન કરવામાં આવ્યો છે.
ત્રણ દિવસીય 3D સાયન્સ ફિલ્મ શો કાર્યક્રમ આજથી તા. 18-02-2026ના રોજ શરૂ થયો છે અને તા. 20-02-2026 સુધી ચાલુ રહેશે. કાર્યક્રમનું આયોજન શ્રી રાજમાતા ગુલાબકુંવરબા ઓડિટોરિયમ, ધન્વંતરી મંદિર, ડી.કે.વી. સર્કલ નજીક, જામનગર ખાતે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ માટે ITRA દ્વારા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ એમ. ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલના સહયોગથી યોજાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓને તેમના શાળાએથી કાર્યક્રમ સ્થળ સુધી અને પરત શાળાએ પહોંચાડવા માટે જરૂરી પરિવહન સુવિધા પણ JMC (જામનગર મહાનગરપાલિકા) શૈક્ષણિક સમિતિ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે.
કાર્યક્રમનું ઉદ્ઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ITRA, જામનગરના ડેપ્યુટી ડિરેક્ટર (અંડર ગ્રેજ્યુએટ) ડો. વર્ષા આર. સોલંકી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ મહિના દરમિયાન આયોજિત વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું સંકલન બાયોકેમિસ્ટ્રી લેબોરેટરીના વડા ડો. ગોપીનાથ અગ્નિહોત્રમ દ્વારા ITRAના ડિરેક્ટર ડો. તનુજા નેસરીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ કરવામાં આવી રહ્યું છે.


