Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવૈશાખમાં અષાઢી માહોલ : જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

વૈશાખમાં અષાઢી માહોલ : જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

જામનગર શહેરમાં ભારે પવન ફુંકાયો : માર્ગો પર ધુળની ડમરીઓ ઉડી: શહેરની વૃંદાવન સોસાયટીમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી : શહેરમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી એ પહોંચી જતાં શહેરીજનો અસહ્ય ગરમીથી અકળાઈ ઉઠયા

- Advertisement -

જામનગર સહિત હાલાર પંથકમાં ગઈકાલે ગુરૂવારે કમોસમી વરસાદ અને અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન થયા હતાં. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાઓએ માર્ગ પર પાણી વહાવ્યા હતાં. તો બીજી તરફ જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી જતાં અસહ્ય ઉકળાટથી શહેરીજનો પરેશાન થયા હતાં. બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા શહેરમાં તોફાની પવન ફુંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી. કમોસમી વરસાદને પરિણામે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતાં.

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં એક તરફ સુર્યનારાયણનો આકરો મિજાજ જોવા મળતા લોકો અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત થયા છે. ગઈકાલે જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું તો બીજી તરફ વૈશાખમાં અષાઢ જેવો માાહોલ સર્જાયો હતો. હાલાર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. જામનગરની ભાગોળે મોરકંડા ગામમાં ભારે પવન સાથે જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા હતાં. આ ઉપરાંત જામજોધપુર, દ્વારકાના ખંભાળિયા, ભાણવડ સહિતના પંથકોમાં હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદી ઝાપટા યથાવત રહ્યાં હતાં. બપોર સુધી આકરી ગરમી બાદ વાતાવરણમાં પલટો આવતા મોરકંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેના પરિણામે માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદથી ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતાં.
જામનગર

શહેરમાં પણ વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન શરૂ થતાં ધુળની ડમરીઓ ઉડી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે તોફાની પવન ફુંકાવાને કારણે બહુમાળી ઈમારતોમાં સાઈનબોર્ડ ધુ્રજી ઉઠયા હતાં. તો બીજી તરફ જામનગર શહેરમાં ઠેર- ઠેર માર્ગો પર ધુળની ડમરીઓ તેમજ પ્લાસ્ટિક, કાગળો ઉડતા જોવા મળ્યા હતાં. જામનગર શહેરમાં ગઇકાલે શરૂ થયેલા ઝંઝાવાતી પવનને કારણે શહેરની વૃંદાવન સોસાયટીમાં વૃક્ષ ધરાશાયી થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી અને વૃક્ષને હટાવવા કામગીરી હાથ ધરી હતી.

- Advertisement -

એક તરફ વાદળછાયુ વાતાવરણ અને કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા વચ્ચે જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, છેલ્લાં 24 કલાકે દરમિયાન જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 29 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 84 ટકા તથા પવનની ગતિ 12.6 કિ.મી. પ્રતિકલાકની નોંધાઇ હતી. કલેકટર કચેરીના આંકડામાં પવનની ગતિ ભલે 12 કિ.મી. બતાવતી હોય પરંતુ, ગઈકાલે જામનગર શહેરમાં બપોર બાદ નિકળેલા ભારે પવનને કારણે ટુવ્હીલરચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. વરસાદી ગાજવીને કારણે તેમજ આકાશમાં ઘટાટોપ વાદળોને કારણે વરસાદ તૂટી પડે તેવો માહોલ સર્જાય હતો. પરંતુ જામનગર શહેરમાં વરસાદી ઝાપટા સિવાય કોઇ ખાસ વરસાદ કલેકટર કચેરી ખાતે નોંધાયો નથી.

જામનગર શહેરમાં મહત્તમ તાપમાનમાં છેલ્લાં 24 કલાકમાં 1 ડિગ્રી જેટલો વધારો આવતા શહેરીજનો અસહ્ય ગરમી અને બફારાથી અકળાઈ ઉઠયા હતાં. સૂર્યનારાયણના આકરા મિજાજને કારણે ખાસ કરીને બપોરના સમયે લોકોએ ઘરની બહાર બિનજરૂરી રીતે નિકળવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ ઘરોમાં એસી તથા પંખાનો વપરાશ પણ વધ્યો હતો. વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભા પાક માટે નુકસાન થવાની ભીતિએ ખેડૂતોની ચિંતા વધારી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular