‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનો રોલ પ્લે કરનાર ઘનશ્યામ નાયક આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે, એવી ચર્ચા ચાલતી હતી, જોકે હવે ઘનશ્યામ નાયકે આ અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, ‘હું અત્યારે મારાં સંતાનો તથા પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરું છું. મારાં બાળકો જરૂરિયાતમંદોને શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. હું બેકાર નથી અને કોઈ આર્થિક સંકટનો સામનો કરતો નથી.’
ઘનશ્યામ નાયકે કહ્યું હતું, ‘મને ખબર નથી પડતી કે લોકો આ રીતની નકારાત્મકતા કેમ ફેલાવે છે. મેં શોમાંથી બ્રેક લીધો નથી. પરિસ્થિતિ એવી છે કે સિનિયર એક્ટર્સ મહરાષ્ટ્ર બહાર અન્ય રાજ્યમાં શૂટિંગ માટે જઈ શકે તેમ નથી. અમે કોરોના પ્રોટોકોલનું પાલન કરીએ છીએ. પ્રોડ્યુસર્સે જે નિર્ણય લીધો છે એ અમારા હિતમાં છે. હું બેરોજગાર થયો નથી. અમારી ટીમ અમારું ધ્યાન રાખે છે. આશા છે કે જ્યારે તેઓ મુંબઈ આવશે ત્યારે અમે ફરીથી શૂટિંગ શરૂ કરીશું.’
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 76 વર્ષીય ઘનશ્યામ નાયકે ગળાનું ઓપરેશન કરાવ્યું હતું અને 8 ગાંઠ કાઢવામાં આવી હતી. ત્રણ મહિના સુધી કેન્સરની સારવાર કરવામાં આવી હતી. તબિયતમાં સુધારો થયો હતો. આ વર્ષે તેમણે સેટ પર આવવાનું શરૂ કર્યું હતું. તેમણે માંડ ચારેક એપિસોડ શૂટ કર્યા અને કોરોનાની બીજી લહેર આવી ગઈ હતી. આ કારણે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લૉકડાઉનની જાહેરાત કરી હતી, જેને કારણે ફિલ્મ તથા ટીવીના શૂટિંગ બંધ થઈ ગયાં હતાં. સિરિયલના મેકર્સ ગુજરાતમાં રહીને શૂટિંગ કરી રહ્યા છે. સિનિયર એક્ટર હોવાને કારણે ટીમે ઘનશ્યામ નાયકને બહાર ના લઈ જવાનો નિર્ણય કર્યો છે.
નટુકાકા આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા હોવાની અફવા ઊડી
બીજી લહેરના કારણે, દરેક સીનિયર અભિનેતા મહારાષ્ટ્ર બહાર શૂટિંગ કરી રહેલી તેમની ટીમ સાથે જોડાયા નથી