દેવભૂમિ દ્વારકા પંથકના છેલ્લા બે દિવસથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. ગઈકાલના 14 ઈંચ વરસાદ બાદ આજરોજ સવારે પણ મેઘરાજાએ પુન: ત્રાટકી અને સવારે ત્રણેક કલાકના સમયગાળામાં વધુ ચાર ઈંચ જેટલો વરસાદ વરસાવી દીધો છે. દ્વારકા તાલુકામાં આજે પણ સવારથી મેઘાવી માહોલ ઘુંટાયો હતો અને સવારે આશરે સાતેક વાગ્યાથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે વેગ પકડતા સવારે 10 વાગ્યા સુધીમાં 4 ઈંચ જેટલો (88 મી.મી.) વરસાદ વરસી ગયો હતો. જેના કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.
પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા અવિરત રીતે દોડધામ જારી રાખવામાં આવી હતી. હાલ દ્વારકા તાલુકાનો કુલ વરસાદ 36 ઈંચથી વધુ વરસી જવા પામ્યો છે.
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી. આમ, દ્વારકા તાલુકાને બાદ કરતા જિલ્લાના અન્ય ત્રણ તાલુકાઓ ખંભાળિયા, કલ્યાણપુર અને ભાણવડમાં મહદ અંશે મેઘ વિરામ રહ્યો છે. જુદા જુદા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટા વરસ્યા હતા.