રિન્કુ સિંહે અંતિમ ઓવરમાં સળંગ પાંચ બોલમાં પાંચ છગ્ગા લગાવીને ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સનો વિજયરથ અટકાવી દીધો છે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં રહેતાં 25 વર્ષીય રિન્કુએ 21 બોલમાં અણનમ 48 રનની ધમાકેદાર ઈનિંગ રમીને કોલકત્તા નાઈટ રાઈડર્સને ત્રણ વિકેટે રોમાંચક અને અકલ્પનીય જીત અપાવી છે. દર સેકન્ડે બદલાઈ રહેલા આ મુકાબલામાં રાશિદ ખાને હેટ્રિક મેળવી હતી જેના કારણે ગુજરાતની જીત નિશ્ચિત લાગી રહી હતી પરંતુ રિન્કુએ તેના જડબામાંથી જીત છીનવી સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા.
કોલકત્તાએ 205 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં 155 રને સાત વિકેટ ગુમાવી દીધી હતી. રિન્કુનો સાથ આપવા માટે ઉમેશ યાદવ આવ્યો હતો. આ બન્નેએ આઠમી વિકેટ માટે 21 બોલમાં અતૂટ 52 રનની ભાગીદારી કરીને ટીમને યાદગાર જીત અપાવી હતી. આ 52 રનમાં ઉમેશે માત્ર પાંચ રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં કોલકત્તાને જીત માટે 29 રનની જરૂર હતી જે બનવા લગભગ અશક્ય લાગી રહ્યા હતા.
છેલ્લી ઓવર યશ દયાલના હાથમાં આવી હતી જેમાં ઉમેશ યાદવે પહેલાં બોલે રન લીધો હતો. આ પછી રિન્કુએ જે કર્યું તે ઈતિહાસ બની ગયો છે. યશ ચાર ઓવરમાં 69 રન બનાવીને સૌથી મોંઘો બોલર સાબિત થયો છે. કોલકત્તાએ 28 રન પર બન્ને ઓપનરોને ગુમાવી દીધા હતા. આ પછી વેંકટેશ અય્યર (83 રન)એ કેપ્ટન નીતિશ રાણા (45 રન) સાથે ત્રીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી ટીમને સંભાળી હતી.
આ પહેલાં ચેમ્પિયન ગુજરાતનો સ્કોર 18 ઓવરમાં ચાર વિકેટે 159 રન હતો. આશા 180 રન સુધી પહોંચવાની હતી પરંતુ વિજય શંકરે અંતિમ બે ઓવરમાં ડેવિડ મીલર સાથે મળીને દે ધનાધન 45 રન ઝૂડીને સ્કોરને 200 પાર પહોંચાડી દીધો હતો. શંકરે 19મી ઓવરમાં લોકી વિરુદ્ધ બે ચોગ્ગા અને બે છગ્ગા જ્યારે 20મી ઓવરમાં શાર્દૂલ ઠાકુર વિરુદ્ધ સળંગ ત્રણ છગ્ગા લગાવ્યા હતા. શંકરે 24 બોલમાં અણનમ 63 રનની ઈનિંગ રમવાની સાથે જ મીલર સાથે પાંચમી વિકેટ માટે અતૂટ 51 રન જોડ્યા હતા જેમાં મીલરના માત્ર બે રન સામેલ હતા બાકીના તમામ રન શંકરે બનાવ્યા હતા. આ ઉપરાંત સાંઈ સુદર્શને 52 અને ગીલે 39 રન બનાવ્યા હતા.