દેશભરમાં કોરોનાનો કેર પ્રવર્તી રહ્યો છે ત્યારે ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આજથી આઇપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે 7.30 થી આ વખતની આઇપીએલની સૌ પ્રથમ ટક્કર થશે. બીજી રીતે કહીએ તો ટીમ કોહલી અને ટીમ રોહિત શર્મા વચ્ચેનો આ પ્રતિષ્ઠિત જંગ બની રહેશે. મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, સન રાઇઝર્સ હૈદ્રાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ એમ આઠ ટીમો વચ્ચે આઇપીએલ ટ્રોફી જીતવા માટે જંગ જામશે. ફાઇનલ 30 મે ના રોજ અમદાવાદમાં યોજાનાર છે.
ગયા વર્ષે ભારતમાં તેની અગાઉ જાહેર થયેલી 29 માર્ચની તારીખથી આઇપીએલ કોરોનાને લીધે યોજી ન હતી શકાય અને યુએઇમાં દુબઇ, અબુધાબી અને શારજાહમાં તેનું આયોજન થયું હતું. 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમ્યાન રમાઇ હતી. આમ 2021 ની આઇપીએલ પાંચ મહિના પછી જ રમાઇ રહી છે. તે વખતે પણ કોરોનાને લીધે બાયો બબલ હેઠળ આઇપીએલ રમાઇ હતી. આ વખતે પણ બાયો બબલ છે.
કોરોનાની બીજી લહર આ હદે ઘાતક નીવડશે તેની કોઇને કલ્પના નહતી. પ્રેક્ષકો વગર જ આઇપીએલ રમાશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે છ જ સેન્ટરોમાં મેચ રમાશે તેમ પણ નક્કી કર્યું છે અને ટુર્નામેન્ટની મેચો એવી રીતે ગોઠવી છે કે ટીમને ન્યુનતમ પ્રવાસ અને નવા બાયો બબલ રચવા ન પડે. ચેન્નાઇ, મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા એમ છ સેન્ટરમાં જ આઇપીએલ ની મેચો રમાશે. આજે પ્રથમ મેચ ચેન્નાઇમાં છે પણ તે પછી મુંબઇમાં પણ 10 મેચો 26 એપ્રિલ સુધીમાં હોઈ આઇપીએલનું આયોજન કોરોનાના કપરા કાળમાં યોજવાની જ શું જરૂર છે તેવો પ્રશ્ર્ન દેશના નાગરિકોના બહોળા વર્ગે ઉઠાવ્યો હતો. મહારાષ્ટ્ર અને મુંબઇ કોરોના કેસનું દેશનું એપિ સેન્ટર પુરવાર થયું છે. નાગરિકોનો આ વર્ગ તેમની રીતે સાચો છે કે દેશમાં પ્રત્યેક ઘેર ફફડાટ છે. ઘણા ઘેર માતમ છે. સરકાર અને મેડિકલ સિસ્ટમ ’પેનિક’ મોડમાં છે. રેસ્ટોરા, મોલ, સિનેમા, શુભ પ્રસંગો બધા પર નિયંત્રણો છે. સમગ્ર દેશમાં હતાશા, માયુસીનો માહોલ છે ત્યારે ક્રિકેટના આવા કાર્નિવલ મનોરંજન અને કરોડોની રેલમછેલ શોભતી નથી. બીજો વર્ગ એમ કહે છે કે પ્રેક્ષકો વગર રમાતી હોઇ ચેપ પ્રસરવાનો ભય નથી. નાગરિકોનું રાત્રે બહાર જવાનું બંધ છે. મનોરંજનના વિકલ્પો મર્યાદિત છે ત્યારે ઘેરબેઠા ટીવી પર મેચ જોઇને એક પ્રકારની તનાવ મુકિતને હળવાશ અનુભવાશે. અમેરિકામાં બાસ્કેટ બોલ, યુરોપમાં ફૂટબોલ અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ રમાઇ જ છે. કાર રેસિંગ ઇવેન્ટ પણ થયા.