ભારતમાં આ વર્ષે 9 એપ્રિલથી આઈપીએલની શરુઆત થશે અને 30 મેના રોજ અમદાવાદમાં આઈપીએલની ફાઈનલ રમાશે.
આઈપીએલની ગર્વનિંગ કાઉન્સિલે આ જાહેરાત કરી હતી.9 એપ્રિલે ચેન્નાઈમાં મુંબઈ ઈન્ડિયન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેના મુકાબલાથી આઈપીએલનો પ્રારંભ થશે.કુલ મળીને આઈપીએલમાં 56 લીગ મેચો રમાશે. આ મેચો ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર તેમજ અમદાવાદ અને દિલ્હીમાં રમાડાશે.મહત્વની વાત એ છે કે, તમામ ટીમો ન્યૂટ્રલ મેદાન પર રમશે અને હોમ ગ્રાઉન્ડ પર કોઈ ટીમની મેચ નહીં યોજાય.
બપોરની મેચની શરુઆત 3-30 વાગ્યાથી અને સાંજના મુકાબલા 7-30 વાગ્યાથી શરુ થશે.
ઉલ્લેખનીય છે કે, ગત સિઝન કોરોનાના કારણે યુએઈ અને અબુધાબીમાં યોજાઈ હતી પણ હવે આઈપીએલની ફરી એક વખત ભારતમાં વાપસી થઈ છે.
કોરોના કાળમાં ટુર્નામેન્ટનુ શિડ્યુલ એ રીતે રાખવામાં આવ્યુ છે કે, લીગ મેચોમાં દરેક ટીમને માત્ર ત્રણ વખત જ ટ્રાવેલિંગ કરવુ પડશે અને તેના કારણે કોરોનાનુ જોખમ ક્રિકેટરો માટે ઘટશે.શરુઆતના તબક્કામાં ખાલી સ્ટેડિયમમાં મેચો રમાશે અને બાદમાં દર્શકોને એન્ટ્રી આપવી કે નહીં તેનો નિર્ણય સ્થિતિ જોઈને કરવામાં આવશે.