જામનગરના પોલીસ હેડકવાર્ટરમાંથી રાખવામાં આવેલ દારૂ-બીયરના જથ્થાની ચોરી પ્રકરણમાં સંડોવાયેલા સસ્પેન્ડ પીએસઆઈના તરૂણ પુત્રની પૂછપરછ દરમિયાન વધુ બે પોલીસકર્મીની સંડોવણી ખુલતા પોલીસે એક પોલીસકર્મીની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરાતા જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર પોલીસ હેડ કવાર્ટરમાં રહેતાં અને સસ્પેન્ડેડ પીએસઆઈ એસ.એસ. ભદોરીયાના તરૂણ પુત્રની થોડા દિવસો પહેલાં ઈંગ્લીશ દારૂ અને બિયરના જથ્થા સાથે અટકાયત કરી લેવાયા પછી તેણે દારૂ અને બીયરનો માતબર જથ્થો જામનગરના પોલીસ હેડ કવાર્ટરમાં રાખવામાં આવેલા સ્ટોરરૂમમાંથી ચોરી કર્યાની કેફિયત આપતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધી તરૂણની અટકાયત કરી લઇ પૂછપરછ હાથ ધર્યા પછી તેને રાજકોટના સુધાર ગ્રહમાં મોકલી દેવાયો હતો. આ દારૂ અંગેના પ્રકરણમાં પીઆઈ કે. જે. ભોયે અને તેમના સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન દારૂની ચોરી અને તેના વેચાણના પ્રકરણમાં બે પોલીસ કર્મચારીઓના નામ ખુલ્યા હતાં. જેમાં પોલીસ હેડ કવાર્ટરના માઉન્ટેડ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધનરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ બહાદુરસિંહ જાડેજાના નામો ખુલ્યા હતાં. આ બન્ને પોલીસકર્મી દારૂ ચોરી પ્રકરણમાં સંડોવાયેલા હતાં અને તેઓએ અગાઉ તરૂણ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મેળવી લીધો હતો અને બન્ને પીવામાં તેમજ વેચાણમાં પણ સામેલ હોવાનું ખુલ્યું હતું.
દરમિયાન પોલીસે ધનરાજસિંહ નામના એક પોલીસકર્મીની ધરપકડ કરી અને રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરાતા તેને જેલમાં મોકલી દેવા હુકમ થયો છે. હજુ આ પ્રકરણમાં અન્ય કોઇ પોલીસ અથવા અન્ય કોઇ વ્યકિતના નામ ખુલ્લે છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.