દ્વારકા તાલુકામાં આવેલી જાણીતી ટાટા કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા દરિયામાં પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે તેવી સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો બાદ હવે પ્રશાસન સક્રિય બન્યું છે. પર્યાવરણને નુકસાન થાય છે તેવી ગંભીર રજૂઆતોને અનુસરી દ્વારકાના પ્રાંત અધિકારી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તથા અન્ય સંબંધિત વિભાગોની સંયુક્ત ટીમે કંપનીના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ચકાસણી હાથ ધરી છે.
તપાસ દરમિયાન મીઠું પકાવતી ક્યારીઓ સહિતની જગ્યા પરથી પાણી અને માટીના નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેથી દરિયામાં છૂટતા દ્રવ કચરાનો વાસ્તવિક અસરકારક અભ્યાસ થઈ શકે. પ્રાંત અધિકારીએ આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે વિશેષ કમિટી રચી છે, જેમાં ટીડીઓ, મામલતદાર, કૃષિ વિભાગ, વન વિભાગ, નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કમિટીએ કંપનીના વિવિધ સ્થળોએ વિગતવાર ચેકિંગ કરીને જરૂરી માહિતી એકત્રિત કરી છે. હાલ લેવામાં આવેલા નમૂનાઓ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ પ્રાંત અધિકારી દ્વારા આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
સ્થાનિકોમાં ઉઠેલી ચિંતા અને પર્યાવરણ પર થઈ શકે તેવા અસરકારક પ્રભાવોને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા ઝડપી પગલાં લેવામાં આવી રહ્યા છે. લેબ રિપોર્ટ આધારે કંપની સામે જરૂરી કાનૂની પગલાં લેવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.


