જામનગર શહેરના ધરારનગર વિસ્તારમાં રહેતી નિંદ્રાધિન યુવતીને તેણીના પતિ દ્વારા ઉઠાડતા નહીં ઉઠવાથી બેશુદ્ધ હાલતમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજ્યા બાદ પેનલ પીએમ માં ગુંગળામણથી મોત થયાનું ખુલતા પોલીસે હત્યાની દિશામાં તપાસ હાથ ધરી મૃતકના પતિની પુછપરછ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-2 માં રામાપીરના મંદિર પાસેના વિસ્તારમાં રહેતી સહીમુનનશા અબ્દુલવાહીમ ખાન (ઉ.વ.18) નામની યુવતી ગત ગુરૂવારે રાત્રીએ તેણીના ઘરે નિંદ્રાધિન થયા બાદ શુક્રવારે સવારે તેણીના પતિ અબ્દુલ વાહીમ પત્નીને ઉઠાડતા પત્ની નહીં ઉઠતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ અબ્દુલ વાહીમ દ્વારા જાણ કરાતા પીએસઆઈ યુ.કે. જાદવ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતદેહનું પેનલ પીએમ કરાવ્યું હતું. આ પેનલ પીએમમાં મોતનું પ્રાથમિક કારણ ગુંગળામણ થવાથી મૃત્યુ થયાનું જણાતા પોલીસે મૃતકના પતિ અબ્દુલવાહીમની પુછપરછ આરંભી હતી અને ઘટના સ્થળે FSL ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે આ બનાવમાં યુવતીની હત્યા થયાની દિશામાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.