જામનગરની જિલ્લા જેલ ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે પરંતુ આ વખતે જેલમાં રહેલાં 13 કેદીઓ સિપાઈને પકડી રાખી અને ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાના બનાવમાં પોલીસે 14 કેદીઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરની જીલ્લા જેલ સ્ટાફ કવાર્ટરમાં રહેતાં અને જેલમાં સિપાઈ તરીકે ફરજ બજાવતા ધર્મદીપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા નામનો જવાન શુક્રવારે સાંજના સમયે જેલમાં યાર્ડ નં.5 અને 6 ઉપર તેની ફરજ પર હતો ત્યારે હનિફ રસુલ મકવાણા નામનો આરોપી યાર્ડ નં.4 માંથી 6 માં જતો હતો જેથી ફરજ પરના સિપાઈ ધર્મદિપસિંહ હનિફને અટકાવ્યો હતો. સિપાઈએ અટકાવતા હનિફએ મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કાદર ઉર્ફે ઓઢીયો જુમા જુણેજા, સબીર ઉર્ફે માઈકલ ઉમર ખફી, સોહિલ મહમદ પારેખ, જાફર સીદીક જુણેજા, ઉબેદ અબ્દુલ કોરડીયા, જહાંગીર યુસુફ ખફી, અબાર ઉર્ફે કારીયો હુશેન સફિયા, અસલમ હુશેન સફીયા, મુસ્તાક હોથી ખફી, એજાજ દાઉદ સફિયા, સાલેમામદ ઉર્ફે કચ્છી ઈસા દાઉદ છરૈયા, એજાજ ઉર્ફે ચકલી કાદર શેખ, અસરફ ઈલ્યાસ સાયચા નામના 13 શખ્સોએ એકસંપ કરીને ફરજ પરના સિપાઈ ધર્મદિપસિંહ જાડેજાને યાર્ડનો દરવાજો બંધ ન થાય તે રીતે પકડી રાખી ફરજમાં રૂકાવટ કરી હતી.
ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગે સિપાઈ ધર્મદિપસિંહે જેલ અધિક્ષકને જાણ કરી સિટી એ ડીવીઝન પોલસ સ્ટેશનમાં 14 આરોપી વિરૂધ્ધ ધમકી અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ આઈ.આઇ. નોયડા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.