ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઉપક્રમે દ્વારકામાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મંગળવારે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ઇસ્ટોનીયા, મલેશિયા, નેધરલેન્ડ, નેપાળ સહિત 14 દેશના અને 2 રાજ્યના પતંગબાજોની આકાશમાં ઊડતી અવનવી અને રંગબેરંગી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની હતી.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, “આનંદ અને ઉત્સાહનું આ પર્વ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરેલ વાઇબ્રન્ટ ગુજરાત, રણ ઉત્સવ, પતંગ મહોત્સવ જેવા મહોત્સવને આગળ લઈ જવાનું કાર્ય વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કરી રહી છે. પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન દ્વારકાના આંગણે થયું છે.” આ તકે ઉત્સાહ સાથે પતંગ ચગાવવાની સાથે જીવ દયા અંગે ધ્યાન રાખવા પણ લોકોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા અગ્રણી પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે, ઉતરાયણ પર્વ નિમિતે આપણે સૌ સાથે મળીને આ કાર્યક્રમને ઉમંગથી ઉજવીએ અને પતંગબાજોની વિવિધ પ્રકારની પતંગો નિહાળી પતંગ ચગાવવાની કરતબો નિહાળીએ.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશ વિદેશના પતંગબાજો, દ્વારકાવાસીઓ, મહેમાનો તથા અધિકારીઓ, કર્મચારીઓ અને વિધાર્થીઓ પણ જોડાયા હતા. કાર્યક્રમના અંતે આમંત્રિતોએ પણ પતંગબાજો સાથે પતંગ ચગાવીને ઉત્સવની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ઝાંઝરી ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો.
આ આયોજનમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, પ્રાંત અધિકારી ભગોરા, ઓખા નગરપાલીકા પ્રમુખ ઉષાબેન ગોહેલ, જિલ્લા પંચાયતના જીતેન્દ્રભાઈ કણઝારીયા, સંજયભાઈ નકુમ, લુણાભા સુમણીયા, ભરતભાઈ ચાવડા, વિજયભાઈ બુજડ, વરજાંગભા માણેક વિગેરે પણ સહભાગી થયા હતા.