જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા સીટી સી પોલીસ દ્વારા રાત્રી દરમિયાન સઘન નાઈટ પેટ્રોલિંગ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં શહેરના સંવેદનશીલ અને રહેણાંક વિસ્તારોને ખાસ ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. પોલીસની ટીમો દ્વારા દિગ્વિજય પ્લોટ, શંકર ટેકરી પાણીના ટાંકા આસપાસનો વિસ્તાર, વામ્બે આવાસ, કોમલ નગર, આંબેડકર બ્રિજ નજીકનો વિસ્તાર તેમજ ખોડિયાર કોલોની સહિતના વિસ્તારોમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આ કામગીરી દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ હલચલ પર કડક નજર રાખવામાં આવી હતી અને સંદિગ્ધ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. સાથે સાથે રસ્તાઓ પર પસાર થતા વાહનોને રોકીને તેમની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ખાસ કરીને રાત્રીના સમયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
View this post on Instagram
ઉપરાંત ટ્રાફિક અંગે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો, સીટબેલ્ટ વગર કાર ચલાવતા ચાલકો અને નશાની હાલતમાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારવામાં આવ્યા હતા અને નાગરિકોને નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ સમગ્ર અભિયાનનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો હતો, તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બનાવવાનો હતો. પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આ પ્રકારની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.


