દેવભૂમિ દ્વારકા જિલ્લાનો કલ્યાણપુર તાલુકો ખાસ કરીને બોકસાઈટ સાથે ખનીજ ચોરી માટે છેલ્લા ઘણા વર્ષોથી કુખ્યાત બની રહ્યો છે. અહીં અગાઉ અનેક વખત મોટા પાયે ખનિજ ચોરી પ્રકાશમાં આવી છે.
આ પછી પણ કલ્યાણપુર તાલુકામાં ખનીજ ચોરી છાને ખૂણે થઈ રહી હોવાની વાતો વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી દ્વારા આ સંદર્ભે એલસીબી વિભાગને કડક હાથે કામગીરી કરવાની સુચના આપવામાં આવતા એલ.સી.બી.ના પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા નાઈટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
આ દરમિયાન કલ્યાણપુર તાલુકાના મેવાસા પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.વી. ગળચરને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક ખાનગી કંપનીના સર્વે નંબરની લીઝવાળી જગ્યામાં બોકસાઈટનો મોટો જથ્થો હોવાથી સ્ટાફ દ્વારા દરોડાની કાર્યવાહી કરી, આ સ્થળે દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામના સ્ટોક યાર્ડમાં કોઈપણ રોયલ્ટી, પાસ કે ખનીજ વિભાગની મંજૂરી વગર બોકસાઈટની હેરાફેરી થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેથી એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં મેવાસા ગામની કોઠારીયા સીમમાં કંપની વિસ્તારમાંથી ટ્રક નંબર જી.જે. 37 ટી. 9324માં લઈ જવાતા બોકસાઈટ સાથેના ટ્રકને અટકાવી ટ્રકના ચાલક કાનજી પરબત ખાણધર (ઉ.વ. 24, રહે. જામ ગઢકા, તા. કલ્યાણપુર વારા) પાસે આ અંગે કોઇ આધાર પુરાવો મળી આવ્યો ન હતો.
આટલું જ નહીં, આ કાર્યવાહી દરમ્યાન અન્ય ખાલી પડેલા ટ્રક નંબર જી.જે. 10 એક્સ. 8800 તથા જી.જે. 10 એક્સ. 5300 નંબરના જેસીબી મશીન પણ આ સ્થળે મળી આવતા ટ્રક માલિક હાર્દિક ભીમશીભાઈ ગાધેરના જણાવાયા મુજબ જેસીબી મારફતે ગેરકાયદે રીતે બોક્સાઇડ ભરી અને રાણ ગામની સીમમાં દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝના સ્ટોક યાર્ડમાં ફેરો કરવામાં આવ્યો હતો.
આથી એલ.સી.બી. પોલીસે તાકીદે ખાણ ખનીજ વિભાગના માઈન્સ સુપરવાઇઝર એચ.જી. પ્રજાપતિ તથા સર્વેયર આર.બી. ગરસાણીયા તથા સ્ટાફને બોલાવી, સ્થળ તપાસણી કરાવતા આશરે રૂપિયા 35 લાખની કિંમતના ત્રણ હજાર મેટ્રિક ટન બોકસાઈટનો જથ્થો તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે.
પોલીસ કાર્યવાહી દરમિયાન રૂપિયા દસ લાખની કિંમતનો 9324 નંબરનો બાર વ્હીલવારો ટ્રક તથા તેમાં રહેલો રૂપિયા 90 હજારની કિંમતનો 18 મેટ્રિક ટન બોકસાઈટ, રૂપિયા પાંચ લાખની કિંમતનો 8800 નંબરનો દસ વ્હીલ વાળો અન્ય એક ટ્રક તથા રૂ. 14 લાખની કિંમતનું 5300 નંબરનું જે.સી.બી. મળી કુલ રૂ. 29 લાખના વાહનો પણ કબજે લેવામાં આવ્યા છે.
આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન મુજબ પી.એસ.આઈ. એસ.વી. ગળચર, પી.સી. સિંગરખીયા, એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, અજીતભાઈ બારોટ, દેવશીભાઇ ગોજીયા, સજુભા જાડેજા, કેશુરભાઈ ભાટિયા, વિપુલભાઈ ડાંગર, નરસિંહભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ મશરીભાઈ આહીર, બોઘાભાઈ કેસરિયા, લાખાભાઈ પિંડારિયા, જીતુભાઈ હુણ, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા તથા વિશ્વદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.
બોકસાઈટ ચોરી માટે કુખ્યાત કલ્યાણપુર પંથકમાં પોલીસ તંત્રની સધન કાર્યવાહી: રૂપિયા 35 લાખના બોકસાઈટનો જથ્થો સીઝ
ટ્રક, જેસીબી સહિત રૂપિયા 29 લાખના વાહનો પણ કબજે લેવાયા