જામનગર શહેરમાં આવેલા પાછળા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા પહેલાં તળાવની જેમ ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત રણમલ તળાવના ગેઈટ નંબર-3 થી 18 મીટરનો એક ડીપી રોડ પસાર થવાનો હોય જેથી લાલ બંગલામાં આવેલી જુની કલેકટર ઓફિસ, એલસીબી, સરકિટ હાઉસ, જુની ડીવાયએસપી ઓફિસ સહિતની કચેરીઓને પાડીને રોડ બનાવવામાં માટે આજે મહાનગરપાલિકાના કમિશનર અને પોલીસ અધિક્ષક સહિતની ટીમ દ્વારા સરકારી કચેરીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં આવેલા પાછળા તળાવમાં મહાનગરપાલિકા દ્વારા આશરે 33 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવી રહ્યું છે તેમાં સાયકલીંગ ટ્રેક, વોકીંગ ટે્રક સહિતના જુદા-જુદા ટે્રકો બનાવવામાં આવી રહ્યા છે. આ પ્રોજેકટ અંતર્ગત પહેલાં તળાવની જેમ જ પાછળ તળાવને વિકાસના કાર્યોથી શણગારવામાં આવશે. શહેરમાં વિકાસ કાર્યો દરમિયાન તળાવની પાળથી 18 મીટરના ડીપી રોડ માટે કપાતમાં આવતી સરકારી ઓફિસોનું આજે સવારે મહાનગરપાલિકાના કમિશનર ડી એન મોદી અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા તથા મહાનગરપાલિકાના સ્ટાફ સાથે જુની આરટીઓ કચેરી, જુની ડીએસપી કચેરી, સર્કટ હાઉસ, જૂની કલેકટર કચેરી સહિતની સરકારી ઓફિસો આ ડીપી કપાત અંતર્ગત આવતી હોય. જેથી મહાનગરપાલિકા અને પોલીસતંત્ર દ્વારા કપાતમાં આવતી ઓફિસોનું નિરીક્ષણ કરી કઇ રીતે કામગીરી કરવી ? તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ 18 મીટરના ડીપી કપાત રોડ બનાવવાથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે અને બે તળાવ વચ્ચે આવેલો રસ્તો બે માર્ગની બદલે આ રોડ બન્યા બાદ ચાર માર્ગનો થઈ જશે. જેથી ટ્રાફિક સમસ્યા પણ હળવી થવાની શકયતા રહેલી છે.