જામનગર શહેરમાં પંજાબ બેંક પાસેના વિસ્તારમાં 12 વર્ષની બાળકી સાથે પ્રૌઢે અડપલા કરી ફડાકા માર્યા હતા અને ધમકી પણ આપી હતી. આ બનાવમાં પોલીસે પ્રૌઢ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના રણજીત રોડ પર આવેલ ચૌહાણફળી વિસ્તારમાં એફ.એમ.નોવેલ્ટી નામની દુકાન ધરાવતાં ફિરોઝ મહમ્મદ અલી કાડિયાણી(ઉ.વ.58) નામના પ્રૌઢની દુકાને ગુરૂવારે રાત્રીના સમયે તે જ વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી ભાગ લેવા માટે પ્રૌઢની દુકાને આવી હતી. તે દરમ્યાન ઢગા પ્રૌઢે ગેરલાભ ઉઠાવી બાળકી સાથે છેડતી કરી અડપલા કર્યા હતાં અને ત્યારબાદ ઝાપટો મારી ધમકી પણ આપી હતી. શહેરના વિસ્તારમાં બાળકી સાથે અડપલા કર્યાના બનાવની જાણ થતાં લોકો એકઠાં થઇ ગયા હતાં ત્યારબાદ ભોગ બનનાર બાળકીની માતા દ્વારા જાણ કરતાં પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે દુકાનદાર પ્રૌઢ વિરૂધ્ધ પોકસો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી હતી.