જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાંથી પસાર થતાં ટ્રેકટરચાલકે બેફિકરાઇપૂર્વક ટ્રેકટર ચલાવી બે વર્ષની બાળકીને હડફેટ લેતાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ મૂળ મઘ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના હેકલ છોટીગામ થાના પીટોલના વતની અને હાલ જામનગરના દરેડમાં આવેલા યુનિટી ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટના પ્લોટ નંબર 116માં વસવાટ કરતાં અને કડિયકામ કરતાં વિનોદ વરસિંહ ગુંડિયા (ઉ.વ.25) નામના યુવાને નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગત્ તા. 02ના રોજ સવારના સાડા નવ વાગ્યાના અરસામાં તેના પ્લોટ નજીક મીરા (ઉ.વ.આ. 2) નામની બાળકી ઉભી હતી. દરમ્યાન પુરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા જીજે10 ડીઆર 4207 નંબરના ટ્રેકટરચાલકે મીરાને હડફેટ લઇ ટ્રેકટરના તોતિંગ ટાયર હેઠળ ચગદી નાખતા ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા જાણ કરાતા 108ની ટીમએ બાળકીને તપાસીને મૃત જાહેર કરી હતી. બાદમાં આ અંગેની જાણના આધારે હે.કો. ડી.વી. છૈયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ બાળકીના મૃતદેહનો કબ્જો સંભાળી ટ્રેકટરચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


