જામનગર જિલ્લાના પડાણા ગામના પાટિયા નજીક મેદાનમાં પતંગ ચગાવતા સમયે દોરી વીજવાયરમાં ફસાઇ જતાં તેમાંથી કાઢવા જતાં વીજશોક લાગતા 10 વર્ષના બાળકનું બેશુદ્ધ થઇ જતાં મોત નિપજયું હતું.
આ અકસ્માતની વિગત મુજબ મૂળ મઘ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના ભૂતફળિયા ગામના વતની અને હાલ જામનગર જિલ્લાના પડાણા ગામના પાટિયા પાસે રહીને મજૂરી કામ કરતાં કમજીભાઇ અદુભાઇ બારિયા નામના શ્રમિક યુવાનના પુત્ર રોહિત બારિયા (ઉ.વ.10) નામનો બાળક ગત્ તા. 01ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં રાજ ખોડલ ક્ધસ્ટ્રક્શનમાં આવેલા મેદાનમાં પતંગ ચગાવતો હતો. દરમ્યાન પતંગ ચગાવતી વેળાએ પતંગની દોરી વીજવાયરમાં ફસાઇ જતાં જમીન ભીની હોવાથી વીજશોક લાગતા રોહિત બેશુઘ્ધ થઇ ગયો હતો. ત્યારબાદ બાળકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રવિવારે સારવાર દરમ્યાન રોહિતનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા કમજીભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. એન. થાનકી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


