Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયમોંઘવારી વધતી રહી છે, વધતી રહેશે!

મોંઘવારી વધતી રહી છે, વધતી રહેશે!

સરકારે ઇંધણના ભાવવધારા મુદ્દે સ્પષ્ટ જણાવી દીધું, ભાવો ઘટાડવામાં આવશે નહીં

- Advertisement -

છેલ્લાં બે અઢી વર્ષથી મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. મોંઘવારીમાં હજૂ પણ વધારો થશે. પેટ્રોલ અને ડિઝલ જેવાં ઇંઘણોના ભાવવધારાને કારણે મોંઘવારીની ગાડી પૂરપાર દોડી રહી છે. બીજી બાજૂ સરકાર વતી પેટ્રોલિયમ મંત્રી દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું છે કે, કોરોનાને કારણે સરકારની આવક ઘટી છે. તેથી પર્યાપ્ત નાણું મેળવવા માટે હાલમાં ઇંધણોના ભાવવધારાને અટકાવી શકાશે નહીં. ઇંધણના ભાવવધારાને કારણે મોંઘવારી તથા ફુગાવો બન્ને વધી રહ્યા છે.

ક્રૂડ ઓઈલ અને મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોની મોંઘવારીનાં કારણે જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો મે માસમાં વધીને વિક્રમી 12.94 ટકાની સપાટીએ પહોંચી ગયો છે. જ્યારે રિટેલ ફુગાવાનો દર મે માસ માટે ઉછળીને 6.3 ટકાની દઝાડતાં સ્તરે આવી ગયો છે.

એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવો 10.49 ટકા હતો અને તેની સામે મે માસમાં 2.45 ટકા વધીને 12.94 ટકા થઈ ગયો છે. ગત વર્ષનાં આ સમયગાળામાં એટલે કે મે 2020માં આ ફુગાવાનો આંક FZ 3.37 ટકા હતો. રિટેલ ફુગાવાની વાત કરવામાં આવે તો એપ્રિલ માસમાં 4.23 ટકા રહેલો ફુગાવો હવે મે માસમાં 6.3 ટકા થઈ ગયો છે.

રિઝર્વ બેન્ક દ્વારા વર્ષ 2021-22 દરમિયાન રિટેલ મોંઘવારીનો દર 5.1 ટકા રહેવાનું અનુમાન લગાડવામાં આવેલું. પ્રથમ ત્રિમાસિકમાં ફુગાવો 5.2 ટકા, બીજા ત્રણ માસમાં 5.4 ટકા, ત્રીજામાં 4.7 ટકા અને અંતિમ ત્રિમાસિક ગાળામાં 5.3 ટકા રહેવાનો અંદાજ હતો.

વાણિજ્ય મંત્રાલય દ્વારા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, માસિક જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર 12.94 ટકા રહ્યો છે. મે માસમાં ફુગાવાનો ઉંચો દર મુખ્ય રૂપે ઓછા આધાર પ્રભાવ અને પેટ્રોલ, ડીઝલ, નેપ્થા, ફર્નેસ ઓઈલ વગેરે જેવી પેટ્રોલિયમ પેદાશો અને મેન્યુફેક્ચરિંગ ચીજોનાં ભાવનાં હિસાબે રહ્યો છે.

આ સમીક્ષાધિન અવધિમાં ઈંધણ અને વીજળીનો ફુગાવો 37.61 ટકા જેટલો નોંધાયો છે. જે એપ્રિલમાં 20.94 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનોનાં ફુગાવો મે માસમાં 10.83 ટકા નોંધાયો છે. જે અગાઉનાં માસમાં 9.01 ટકા હતો. ખાદ્યચીજોનાં ફુગાવામાં પણ 4.31 ટકાનો સામાન્ય વધારો થયો છે. જો કે આ દરમિયાન ડુંગળી મોંઘી થઈ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ચાલુ માસની શરૂઆતમાં પોતાની નાણાનીતિમાં વ્યાજદરોને વિક્રમી નીચલા સ્તરે જાળવી રાખ્યા હતાં અને કહ્યું હતું કે, વૃદ્ધિને પ્રોત્સાહિત કરવાં માટે તે ઉદાર નીતિને ટકાવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.

મોંઘવારીના મોરચે આમ આદમીને મોટો ઝટકો છે. મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી બાદ રિટેલ ફુગાવામાં પણ મોટો વધારો નોંધાયો છે. મે મહિનાનો મોંઘવારી દરનો આંકડો રિઝર્વ બેન્કના દાયરાથી પણ બહાર નિકળી ગયો છે. આરબીઆઈએ દાયરો 2-6 ટકા નક્કી કર્યો હતો. આ અગાઉ સતત પાંચ મહિના સુધી રિટેલ ફુગાવો છ ટકાથી નીચે રહ્યો હતો.

સરકાર આમઆદમીને ઈંધણનાં ભાવમાં કોઈ રાહત આપવા ઈચ્છુક નથી અને બીજીબાજુ તેનાં ભાવ બેલગામ વધી રહ્યા છે. રોજેરોજ ભાવ નવી અભૂતપૂર્વ ઉંચાઈઓ સર કરતાં જાય છે અને ગરીબ, મધ્યમવર્ગ મોંઘવારીનાં વિષચક્રમાં વધુ ને વધુ ગરક થતો જાય છે. પેટ્રોલનાં ભાવમાં ફરી એકવાર 29 પૈસા અને ડીઝલનાં ભાવમાં 30 પૈસાનો વધારો થયો છે.

શુક્ર અને શનિવારે બે દિવસ ભાવ વધ્યા પછી રવિવારે એક દિવસનાં વિરામ બાદ સોમવારે ફરી એકવાર ઈંધણનાં ભાવની ઉર્ધ્વગતિનો સિલસિલો આગળ ધપ્યો હતો. રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં તો પેટ્રોલ પછી ડીઝલનાં ભાવ પણ 100 રૂપિયાની સપાટી વળોટી ગયા છે. અહીં પેટ્રોલનો ભાવ અત્યારે 107થી વધુ છે. આજનાં ભાવ વધારા પછી લદ્દાખમાં પણ પેટ્રોલ 100 રૂપિયા પાર થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે 4 મે 2021 પછી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કુલ મળીને 24 વખત વધારો થયો છે. આ છ સપ્તાહનાં સમયમાં પેટ્રોલનાં ભાવમાં 6.09 અને ડીઝલનાં ભાવમાં 6.30 રૂપિયાનો ગજવાફાડ વધારો ઝીંકી દેવાયો છે. ભાવ વધારા પછી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.41 અને ડીઝલનો ભાવ 87.28 રૂપિયા થયો છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પેટ્રોલનાં ભાવ 93.34 અને ડીઝલનો ભાવ 93.98 રૂપિયા થયો છે. રાજકોટમાં પેટ્રોલ 93.46 અને ડીઝલ 94.11 રૂપિયા પ્રતિલિટર થઈ ગયું છે. આમ ગુજરાતમાં છેલ્લા ઘણાં સપ્તાહોથી પેટ્રોલ કરતાં ડીઝલ વધુ મોંઘુ છે. જે ઈતિહાસમાં પહેલીવાર બની રહેલો ઘટનાક્રમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular