ગુજરાતમાં કોરોનાએ ફરી રફતાર પકડી છે. છેલ્લા 24 કલાકમાં ચાલુ વર્ષના અત્યાર સુધીના સૌથી વધુ 800 કરતા પણ વધુ કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાત સરકારના વધુ એક મંત્રી પણ કોરોની ચપેટમાં આવ્યા છે. રાજ્યના સહકાર મંત્રી ઈશ્વર પટેલ કોરોના પોઝીટીવ થયા છે.
ગુજરાત સરકારના સહકાર મંત્રી ઈશ્વર પટેલનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બે દિવસ પહેલા જ તેઓએ કોરોનાની વેક્સીન લીધી હતી. અને આજે તેઓ કોરોના સંક્રમિત થયા છે. કોરોનાના લક્ષણો જણાતા તેમણે રેપિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો આજે પોઝિટિવ રિપોર્ટ આવતા આ જાહેરાત કરી હતી. હાલ તેઓ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીના કાર્યાલયમાં 4 કર્મચારી અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. વિધાનસભામાં પુરષોત્તમ સોલંકીની ચેમ્બરમાં એક પણ સ્ટાફ હાજર નથી. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા બાબુભાઈ જમનાદાસ પટેલ પણ બે દિવસ અગાઉ કોરોના સંક્રમિત થયા હતા.
વિધાનસભામાં ચાલી રહેલા અંદાજપત્ર સત્રના 15 દિવસમાં એક મંત્રી અને એક ધારાસભ્ય કોરોના પોઝિટિવ આવ્યા છે. ગૃહમાં તમામ ધારાસભ્યોને રેપિડ ટેસ્ટ બાદ જ પ્રવેશ આપવામાં આવતો હોય છે. બે દિવસ પહેલાં જ ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ કોરોના પોઝિટિવ થયા હતા. મંત્રી ઈશ્વર પટેલે બે દિવસ પહેલા 13 માર્ચના રોજ નવસારીના સિસોદરા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના વાયરસની વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.