દક્ષિણ ગુજરાતના દહેજ ખાતે યશસ્વી રસાયણ પ્રાઇવેટ લી. નામની ફેકટરીમાં આગ લાગી હતી. આગ સમયે બ્લાસ્ટ પણ થયા હતા. સમગ્ર ઘટનાની નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે તપાસ કર્યા પછી, ફેકટરીના માલિકને આદેશ આપ્યો છે કે, આ ઘટનાથી અસર પામેલાં તમામ 4800 ગ્રામજનોને વળતર આપવાનું રહેશે. પ્રત્યેક ગ્રામજનને રૂા.2500 વળતર પેટે આપવાના રહેશે.
ટ્રિબ્યુનલે આ કંપનીને આ રકમ જમા કરાવવા આદેશ આપ્યો છે. કંપનીએ એક મહિનાની અંદરઆ રકમ જમા કરાવવાની રહેશે. કંપનીએ જવાબ આપ્યો છે કે,અમોએ વળતર પેટે રૂા.3.10 કરોડ જમા કરાવી દીધાં છે અને આગામી બે દિવસમાં વધુ રૂા.1.29 કરોડ જમા કરાવીશું. જોકે, કંપનીએ તમામ ગ્રામજનોને વળતર ચુકવવાના મુદ્દે વાંધો રજુ કર્યો છે.
દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલાં યશસ્વી નામના આ ઉદ્યોગમાં 12 શ્રમિકોના મોત થયા હતાં. 70 શ્રમિકો દાઝી ગયાં હતાં અથવા ઇજાઓ પહોંચી હતી. આ બનાવ 2020ની ત્રીજી જુને બન્યો હતો. બનાવ બન્યા પછી સુરતની એક એનજીઓએ ફરીયાદ કરી હતી. ટ્રિબ્યુનલે ફેકટરી માલિકને રૂા.25 કરોડનો દંડ ફટકાર્યો છે.
આ ઘટનાની તપાસ પછી ટ્રિબ્યુનલે રજુ કરેલાં રિપોર્ટમાં એમ પણ દર્શાવ્યું છે કે, ફેકટરીમાં રેકર્ડમાં દર્શાવેલાં રો મટિરિયલના જથ્થા કરતાં ઘણું વધારે રો મટિરિયલ હતું.