દેશના સફળ હરોળના ઉદ્યોગપતિ અને દેશના સૌથી વધુ ધનવાન મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ ગત તારીખ 27 માર્ચથી રિલાયન્સ (જામનગર) થી દ્વારકાની પગપાળા યાત્રા શરૂ કરી છે. ત્યારે આવતીકાલે રવિવારે તેઓ દ્વારકા પહોંચશે અને અહીં તેમનું ભવ્ય સ્વાગત સન્માન કરાશે. રિલાયન્સ ગૃહના યુવા અનંત અંબાણીએ ભગવાન દ્વારકાધીશમાં આસ્થા સાથે ગત તારીખ 27 માર્ચથી દ્વારકા સુધીની પદયાત્રા શરૂ કરી છે. ત્યારે દરરોજ ભજન-ધૂનની રમઝટ સાથે થોડું થોડું અંતર કાપીને તેઓ આજે દ્વારકા નજીક પહોંચી ગયા છે. અનંત અંબાણી આવતીકાલે રવિવાર તા. 6 એપ્રિલના રોજ દ્વારકા પહોંચી જશે. અહીં સવારે તેઓ દ્વારકાધીશજીની મંગળા આરતી સમયે પદયાત્રા પૂર્ણ કરશે.

અનંત અંબાણી રવિવારે સવારે છ વાગ્યા આસપાસના સમયે ચાલીને દ્વારકા સુધીની તેમને પદયાત્રા પૂર્ણ કરી નગરમાં પ્રવેશ કરશે. તેઓ ધીરુભાઈ અંબાણી માર્ગ પરથી પસાર થઈને દ્વારકાધીશ મંદિર તરફ નગરમાં પ્રયાણ કરશે. અહીં વહેલી સવારે આ પદયાત્રા સમારંભમાં તેમનું દેશની જાણીતી સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ અને ધર્મગુરુ ઉપસ્થિત રહેશે તેવું પણ જાણવા મળ્યું છે.
અનંત અંબાણી આવતીકાલે સવારે દ્વારકાધીશજી મંદિર પરિસર નજીક આવેલા ગોમતીઘાટના પવિત્ર જલથી ચરણસ્પર્શ કરી અને દેહશુધ્ધિ કર્યા બાદ માતા ગોમતીજી નદીનું પૂજન કરી દ્વારકાધીશ મંદિર તરફ પ્રયાણ કરશે. મંદિર પરિસર ખાતે પ્રવેશ સાથે જ ધીરુભાઈ અંબાણી માર્ગ ઉપર પણ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. અહીં દ્વારકાનગરના જુદા જુદા સમાજના પ્રતિનિધિઓ અનંત અંબાણીનું સ્વાગત કરશે.
આ પદયાત્રા અંતર્ગત દ્વારકાધીશ શારદાપીઠના બ્રહ્મચારી સ્વામી શ્રી નારાયણનંદજીના અધ્યક્ષ સ્થાને રિલાયન્સના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વેપારી મંડળ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને જુદા જુદા સમાજના આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં અનંત અંબાણીની પદયાત્રા પૂર્ણાહુતિ પ્રસંગે સ્વાગત સન્માન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અનંત અંબાણી ભગવાન દ્વારકાધીશ પ્રત્યે અનંત શ્રદ્ધા ધરાવે છે. વારંવાર દ્વારકાધીશના દર્શન કરવા તેઓ આવે છે. ત્યારે રવિવાર તારીખ 6 એપ્રિલના રોજ અનંત અંબાણીનો તિથિ મુજબ રામનવમીના દિવસે જન્મદિવસ હોય, તેમજ આ જ દિવસે તેઓ તેમની પદયાત્રા પૂર્ણ કરી રહ્યા છે.
જેથી સનાતન ધર્મના આ યુવા ઉદ્યોગપતિ મંગળા આરતીના દર્શન કર્યા બાદ દ્વારકાધીશની ચરણપાદુકાનું પૂજન કરશે. ઉપરાંત શારદાપીઠ પરિસરના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સ્વામી સરસ્વતીજીની ગાદી ઉપર મસ્તક નમાવીને દ્વારકાધીશજીની ધ્વજાજીનું પૂજન કરશે. આ વખતે દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર અને ગૂગળી બ્રાહ્મણો અનંત અંબાણીને શાસ્ત્રો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આશીર્વાદ આપશે. તારીખ 6 ના દિવસે સમગ્ર દ્વારકાનગરના ધરોહર અનંત અંબાણી તરફથી પ્રસાદ વિતરણ કરવામાં આવનાર છે.