જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં દેશી દારૂનું વેચાણ કરતા અને અપશબ્દો બોલતા શખ્સને સમજાવવા ગયેલા મહિલા ઉપર શખ્સે જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી યુવાનને ફડાકા ઝીંકી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં જૂના દવાખાના પાસેના વિસ્તારમાં રહેતો મામદ નામનો શખ્સ તેના ઘરે દેશી દારૂનું બેરોકટોક વેચાણ કરતો હતો અને તેમના બાજુમાં રહેતા મહિલાના ઘર પાસે અપશબ્દો બોલતો હતો. જેથી નીતાબેન નામના મહિલા મામદ નામના દેશી દારૂના ધંધાર્થીને રવિવારે સાંજના સમયે સમજાવવા ગયા હતાં. તે દરમિયાન ઉશ્કેરાયેલા દારૂના ધંધાર્થીએ મહિલાને જાતિ પ્રત્યે અપમાનિત કરી પતાવી દેવાની ધમકી આપી હતી તેમજ મહિલાની સાથે રહેલા જિતેશભાઈને પણ જેમ ફાવે તેમ અપશબ્દો બોલી ફડાકા મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી મારી નાખવાની ધમકી આપી હતી. બુટલેગર દ્વારા મહિલા અને યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ધમકી આપ્યાના બનાવની જાણ કરાતા ડીવાયએસપી જે.એસ. ચાવડા તથા સ્ટાફે નીતાબેનના નિવેદનના આધારે દેશી દારૂના ધંધાર્થી મામદ વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ હાથ ધરી હતી.