ભારતીય ખેલાડીઓએ એશિયન પેરા ગેમ્સ 2023માં શાનદાર પ્રદર્શન કરતા 100મો મેડલ જીતી લીધો છે. દિલીપ ગાવિતે 400 મીટર રેસ ઈવેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીતની સાથે જ ભારતની મેડલ સંખ્યા 100 પર પહોંચી ગઈ છે. સુયશ જાધવે ભારત માટે 99મી મેન્સ બટરફ્લાય સ્વિમિંગ જીતી છે. ધરમરાજ સોલઈરાજે ભારત માટે 98મો મેડલ અને 25મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ પહેલા ભારતે બેડમિન્ટનમાં 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા છે. ભારતે 100 મેડલમાંથી 25 ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારતે એશિયન પેરા ગેમ્સ 2023માં પાંચમાં દિવસ સુધી કુલ 92 મેડલ જીત્યા હતા. આ પહેલા ચોથા દિવસે ભારતના ખાતામાં 82 મેડલ હતા. ગઈકાલે શીતલ દેવીએ આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ રમન શર્માએ ભારતને 1500 મીટર રેસમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. પ્રમોદ ભગતે મેન્સ સિંગલ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મુરુગેશને પણ બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રાકેશ કુમારે આર્ચરીમાં સિલ્વર અને સુહાસ એલવાય મેન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં પણ ભારતને ગોલ્ડ મેડલ મળ્યો હતો.ભારતીય એથ્લીટોએ એશિયન પેરા ગેમ્સ 2023માં ચોથા દિવસ સુધી કુલ 82 મેડલ જીત્યા હતા. આ ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું કારણ કે આ પહેલા ભારતે એશિયન પેરા ગેમ્સમાં સૌથી વધુ 73 મેડલ જીત્યા હતા. ગુરુવાર સુધી ભારતીય એથ્લીટોએ 18 ગોલ્ડ મેડલ, 23 સિલ્વર મેડલ અને 41 બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. તેમજ મેડલ ટેબલમાં ભારત છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. એવું પણ પહેલીવાર બન્યું છે કે ભારતે એશિયન પેરા ગેમ્સના મેડલ ટેબલમાં ટોપ 10માં સ્થાન મેળવ્યું છે.