Friday, November 22, 2024
Homeસ્પોર્ટ્સટેસ્ટમાં નિષ્ફળ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે પહેલો વન-ડે જીતાડયો

ટેસ્ટમાં નિષ્ફળ રાહુલે ઓસ્ટ્રેલિયા સામે પહેલો વન-ડે જીતાડયો

જામનગરના જાડેજાનો જલવો યથાવત્ : રાહુલ સાથે 108 રનની ભાગીદારીમાં ફટકાર્યા 45 રન

- Advertisement -

ટેસ્ટ સિરીઝમાં નિષ્ફળ રહેલાં ભારતીય ઓપનર કે.એલ. રાહુલે ભારતને ઓસ્ટ્રેલિયા સામે વન ડે સિરીઝનો પ્રથમ મેચ જીતાડી આપ્યો હતો. મુંબઇમાં રમાયેલાં પહેલા વન ડેમાં કે.એલ. રાહુલે અણનમ 75 રનની ઇનિંગ રમી હતી. તો બીજી તરફ જામનગરના રવીન્દ્ર જાડેજાનો જલવો વન ડે માં પણ યથાવત રહ્યો છે. રાહુલ સાથે કરેલી 108 રનની ભાગીદારીમાં જાડેજાએ 45 રનનું યોગદાન આપ્યું હતું. જયારે ફિલ્ડીંગ દરમ્યાન એક અફલાતુન કેચ પણ પકડયો હતો. ભારત પ્રથમ મેચ પાંચ વિકેટે જીતી ગયું હતું. મોહમ્મદ શમી અને મોહમ્મદ સીરાજની ત્રણ-ત્રણ વિકેટની મદદથી ભારતે ઑસ્ટ્રેલિયાને 188 રને સંકેલી નાખ્યું હતું પરંતુ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતે પણ પાંચમી ઓવર સુધીમાં 16 રને ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. કુલ 83 રનના ટોટલ સુધી પાંચ વિકેટ ગુમાવી ચૂકેલી ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. તાજેતરના દિવસોમાં પોતાના ફોર્મને લઈને ટીકાઓનો સામનો કરી રહેલા કે.એલ.રાહુલ (અણનમ 75 રન) અને લાંબા સમય બાદ વન-ડે ઈન્ટરનેશનલ રમી રહેલા રવીન્દ્ર જાડેજા (અણનમ 45 રન)એ આખરે ટીમને જીત અપાવી દીધી હતી. બન્નેએ અણનમ સદીની ભાગીદારી કરતાં ભારતને 40મી ઓવરમાં જ પાંચ વિકેટે જીત અપાવી દીધી હતી.

- Advertisement -

ઈનિંગની બીજી જ ઓવરમાં માર્કસ સ્ટોઈનિસે ઈશાન કિશન (ત્રણ રન)ને પેવેલિયન મોકલ્યો હતો. ફોર્મમાં રમી રહેલો શુભમન ગીલ પણ 20 રન બનાવીને મીચેલ સ્ટાર્કનો શિકાર થયો હતો. સ્ટાર્કનો આગલો શિકાર વિરાટ કોહલી થયો જે માત્ર ચાર જ રન બનાવી શક્યો હતો જ્યારે સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. કાર્યકારી કેપ્ટન હાર્દિક પંડ્યા 25 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રાહુલ-રવીન્દ્રએ મોરચો સંભાળી લીધો હતો. આ પહેલાં ઑસ્ટ્રેલિયાએ અંતિમ છ વિકેટ 7.5 ઓવરમાં 19 રનની અંદર ગુમાવી હતી. હાર્દિકનો બીજા સ્પેલમાં શમીને ઝડપથી બોલાવવાનો નિર્ણય સચોટ સાબિત થયો હતો. કેમરુન ગ્રીનને શમીએ આઉટ કર્યો તો બીજા સ્પેલમાં ત્રણ ઓવરમાં આઠ રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. બીજી બાજુ બીજી ઓવરમાં ભારતને સફળતા અપાવનારા સિરાજે બીજા સ્પેલમાં શાનદાર બોલિંગ કરતાં 5.4 ઓવરમાં 29 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. માર્શ સદી તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ જાડેજાએ તેની આશા ધૂળધાણી કરી નાખી હતી. તેણે છેલ્લી સદી ભારત વિરુદ્ધ જાન્યુઆરી-2016માં લગાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular