ભારત કોરોના વાયરસના સંકટથી ખરાબ રીતે પ્રભાવિત છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં ઓક્સિજનથી માંડી વેન્ટિલેટરની તંગી થઈ રહી છે. કટોકટીના આવા સમયમાં રશિયા ફરી એકવાર ભારતની મદદ કરવા આગળ આવ્યું છે. ભારતને મદદ કરવા માટે, બે રશિયન વિમાન દિલ્હી એરપોર્ટ પર દવાઓ, વેન્ટિલેટર અને ઓક્સિજન કન્સન્ટ્રેટર સહિત 22 ટન ઇક્વિપમેન્ટસ સાથે પહોચ્યા હતા. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે કોરોનાની સ્થિતિની ચર્ચા થઈ હતી. પીએમ મોદીના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બંને નેતાઓ વચ્ચે કોરોના સિવાય ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
રશિયન ઈમર્જન્સી મિનિસ્ટ્રીએ 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ્સ, 75 લંગ વેન્ટિલેટર્સ, 159 મેડિકલ મોનિટર્સ તથા દવાનાં 2 લાખ પેકેટ્સ સાથે જરૂરી 22 ટન આવશ્યક ઈક્વિપમેન્ટ્સ ભારતને મોકલી આપ્યાં છે. પીએમ મોદીએ આ અંગે રશિયલ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને તેમનો આભાર માન્યો હતો. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા ભારતીય કંપનીઓ સાથે સ્પુતનિક V રસીના 850 મિલિયન (85 કરોડ) ડોઝનું ઉત્પાદન કરવા માટે કરાર કર્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા ટ્વીટ મારફતે જણાવવામાં આવ્યું હતું કે વાતચીતમાં ભારત અને રશિયાના રક્ષા તથા વિદેશમંત્રીઓ વચ્ચે “ ટુ પ્લસ ટુ” મંત્રી સ્તરીય વાતચીત પર સહમતી થઇ હતી. પીએમએ કહ્યું કે, આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ પુતિન સાથે મારી સારી વાતચીત થઈ. અમે કોવિડ -19 થી ઉભી થયેલી પરિસ્થિતિ વિશે ચર્ચા કરી, અને મેં રશિયા તેની સામેની લડતમાં જે મદદ અને સહકાર આપી રહ્યો છે તેના માટે પુતિનનો આભાર માન્યો.
બંને નેતાઓએ આંતરરાષ્ટ્રીય રોગચાળા સામે લડવા બંને દેશો વચ્ચે વર્તમાન સાથસહકારની નોંધ લીધી હતી. ભારતમાં સ્પુતનિક-વી રસીનો કટોકટીમાં ઉપયોગ કરવા માટે મંજૂરી આપવાનાં પગલાંની રાષ્ટ્રપતિ પુતિને પ્રશંસા કરી હતી. બંને નેતાઓએ સંમતિ આપી હતી કે રશિયાની રસીનું ઉત્પાદન ભારતમાં થશે, જેનો ઉપયોગ ભારત, રશિયા અને ત્રીજા દેશોમાં થશે.