ભારત અને પાકિસ્તાનમાં ક્રિકેટની દિવાનગી કેટલી છે તે કહેવાની અત્રે જરૂર લાગી રહી નથી. આ વાતનો પૂરાવો ભારત-પાકિસ્તાન વચ્ચે રમાતી મેચોમાં મળી જ જાય છે. ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપ વખતે બન્ને ટીમો વચ્ચે કાંટે કી ટક્કર થવાની છે પરંતુ આ બધાની વચ્ચે બન્ને દેશના ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે.
ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ પોતાના આંગણે ભારત-પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાડવાની ઑફર આપી હતી પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ તે ઑફરને ફગાવી દીધી છે.
બન્ને દેશો વચ્ચે છેલ્લા 15 વર્ષથી એક પણ ટેસ્ટ મેચ રમાઈ નથી. વર્ષ 2008માં મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના કારણે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવાનો ઈન્કાર કરી દીધો હતો એટલે ત્યારથી લઈ આજ સુધી એક પણ ટેસ્ટ મેચ રમાઈ નથી.
ઈંગ્લેન્ડ ક્રિકે બોર્ડે ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ટેસ્ટ શ્રેણીની મેજબાની કરવાની ઔપચારિક ઓફર આપી હતી પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે નજીકના ભવિષ્યમાં આવી કોઈ સંભાવના નથી.
બ્રિટિશ દૈનિક ‘ટેલીગ્રાફ’ના રિપોર્ટ પ્રમાણે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ માર્ટીન ડાર્લોએ પાકિસ્તાન-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટી-20 શ્રેણી દરમિાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે વાતચીત કરી તેમજ ભવિષ્યમાં ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી ઈંગ્લેન્ડના મેદાન પર આયોજિત કરવાની ઓફર આપી હતી. ઈસીબીએ પોતાના ફાયદા માટે આ ઑફર આપી છે તો બીસીસીઆઈએ આ અંગે કહ્યું કે આવનારા વર્ષોમાં બન્ને દેશો વચ્ચે મેચ રમાડવાની સંભાવના નથી.
બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે પહેલી વાત તો એ કે ઈસીબીએ ભારત-પાકિસ્તાન શ્રેણીને લઈને પીસીબી સાથે જે વાત કરી છે તે થોડી વિચિત્ર છે. પાકિસ્તાન સામે ક્રિકેટ રમવાનો કોઈ પણ પ્રકારનો નિર્ણય બીસીસીઆઈ નહીં બલ્કે સરકાર કરશે. અત્યારે યથાસ્થિતિ યથાવત છે. અમે પાકિસ્તાન વિરૂધ્ધ માત્ર આઈસીસી આયોજિત ટૂર્નામેન્ટમાં જ રમશું.