પાકિસ્તાનની હોંગકોંગ ઉપર ધમાકેદાર જીત બાદ એશિયાકપના સુપર-4 સ્ટેજનું શેડ્યુલ સ્પષ્ટ થઈ ગયું છે. બાબર આઝમની ટીમે હોંગકોંગને 155 રને હરાવીને આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. સુપર-4માં પાકિસ્તાન પહેલાં ભારત, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ટીમ જગ્યા બનાવી ચૂકી છે. જ્યારે બાંગ્લાદેશ અને હોંગકોંગ પ્રથમ રાઉન્ડમાં જ બહાર નીકળી ગયા છે. ગ્રુપ ‘એ’માંથી ભારત અને પાકિસ્તાને સુપર-4 માટે ક્વોલિફાય કર્યું છે
આજથી એશિયા કપ સુપર-4ના મુકાબલા શરૂ થશે. ભારત-પાકિસ્તાન-શ્રીલંકા-અફઘાનિસ્તાન ત્રણ-ત્રણ મુકાબલા રમશે. જો ભારત-પાકિસ્તાન સુપર-4માં ટોપ-2માં રહેશે તો ફાઈનલમાં પણ થશે ટક્કર, તો ગ્રુપ ‘બી’માંથી અફઘાનિસ્તાન અને શ્રીલંકાએ સુપર-4માં જગ્યા બનાવી છે. ગ્રુપ સ્ટેજમાં ભારત અને અફઘાનિસ્તાન જ એવી ટીમ છે જેને એક પણ પરાજય મળ્યો નથી. સુપર-4ની ચાર ટીમોના નામ ક્લિયર થયા બાદ સંપૂર્ણ કાર્યક્રમ બહાર આવ્યો છે. આ રાઉન્ડમાં તમામ ટીમોએ રાઉન્ડ રોબિનના આધારે જ દરેક ટીમ વિરુદ્ધ એક મેચ રમવાની રહેશે. સુપર-4 રાઉન્ડ આજથી જ શરૂ થઈ જશે. જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચે આવતીકાલે ટક્કર થશે. આ રાઉન્ડમાં ટોચ પર રહેનારી ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે જેમની વચ્ચે 11 સપ્ટેમ્બરે ખીતાબી જંગ થશે.
યુએઈમાં એશિયા કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટ વચ્ચે જ મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ઈજાને કારણે બાકી બચેલી મેચોમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ આ અંગેની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા રવીન્દ્ર જાડેજાના સ્થાને અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. જાડેજાના ડાબા ઘૂંટણમાં ઈજા થતાં તે હવે રમી શકવાની સ્થિતિમાં નથી. તે અત્યારે બોર્ડની મેડિકલ ટીમના ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે. અક્ષર પટેલને પહેલાંથી જ ટીમમાં સ્ટેન્ડ બાયના રૂપમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પહેલાં આઈપીએલ દરમિયાન પણ રવીન્દ્રને ઈજા થઈ હતી જેના કારણે તેણે બહાર થવું પડ્યું હતું. આ પછી તેણે ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન મેદાન પર વાપસી કરી હતી.