પાકિસ્તાન અને ભારત વચ્ચે ક્રિકેટ શ્રેણી ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે. આ દિશામાં પહેલ કરવામાં આવી રહી છે. આ અંગે અંતિમ નિર્ણય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની બેઠક દરમિયાન લેવામાં આવે તેવી સંભાવના છે. વર્ષ 2008માં મુંબઇમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો નથી. બંને દેશો વચ્ચેના રાજદ્વારી અને રાજકીય તનાવને કારણે શ્રેણી રમાણી નથી. બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ રહ્યા છે.
2013થી બંને એશિયન ક્રિકેટ દિગ્ગજો કોઈ દ્વિ-પક્ષિય શ્રેણી રમ્યા નથી. આ ઉપરાંત 2007-08ની સીઝન પછીથી બંનેએ ટેસ્ટ સિરીઝમાં પણ એક બીજાનો સામનો કર્યો નથી. જો કે, આઈસીસી ટૂર્નામેન્ટમાં અને એશિયા કપમાં બંને ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. આઇસીસીની બેઠક આ મહિને દુબઇમાં યોજાવાની છે, જ્યાં ભારતીય ક્રિકેટ બોર્ડ તેનો નિર્ણય જાહેર કરી શકે છે. ઉપરાંત, ભારતીય બોર્ડને આગામી ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ખેલાડીઓ, દર્શકો અને પત્રકારો માટેના વિઝા અને સુરક્ષા વ્યવસ્થાઓ વિશે આઇસીસીને માહિતી આપવી જરૂરી છે. ટી-20 વર્લ્ડ કપ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાવાનો છે. પીસીબીના મીડિયા મેનેજર શકીલખાને કહ્યું કે, બંને પક્ષોના પ્રતિનિધિ મંડળ આઇસીસીની બેઠકમાં ભાગ લેશે અને નિશ્ચિત રૂપે સફળતાની આશા છે. શકીલ ખાને કહ્યું, અમે ભારત સાથે હંમેશા દ્વિપક્ષીય મેચ રમવા માટે તત્પર રહીએ છીએ, પરંતુ ભારતીય ટીમે હંમેશા અવરોધો ઉભા કર્યા છે.
ખાને કહ્યું કે, પાકિસ્તાની ટીમ પહેલા જ ભારતમાં બે વાર રમી ચૂકી છે, તેથી આ વખતે ભારતીય ટીમે મેચ માટે પાકિસ્તાન આવવું પડશે. તે સંપૂર્ણપણે ભારતીય પક્ષ પર નિર્ભર છે કે આઈસીસીની બેઠક દરમિયાન તેઓ ક્રિકેટ સંબંધોને શરૂ કરવા માટે કેવો પ્રસ્તાવ અને શરતો રાખે છે. ઇસ્લામાબાદ અને નવી દિલ્હી વચ્ચેના રાજદ્વારી અંતરને દૂર કરવામાં ક્રિકેટની મહત્વપૂર્ણ ભૂમિકા છે. જો કે, દ્વિપક્ષી મેચ ફરી શરૂ કરવાના પ્રયાસો તાજેતરના સમયમાં ઇચ્છિત પરિણામો લાવવામાં નિષ્ફળ ગયા છે. પીસીબી દ્વિપક્ષી મેચ ફરી શરૂ કરવાની આશા રાખે છે, પરંતુ હવે તે બીસીસીઆઈના પ્રતિસાદની રાહ જોઈ રહ્યું છે.